મહારાષ્ટ્ર પર આભ ફાટ્યું: પ્લેન ક્રેશમાં ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન; સચિન તેંડુલકરની આંખો છલકાઈ
બારામતીમાં લેન્ડિંગ સમયે વિમાન આગનો ગોળો બન્યું; ક્રિકેટના ભગવાન સચિને ભાવુક પોસ્ટ લખી શ્રદ્ધાંજલિ અર્પી; રાજ્યમાં 3 દિવસનો શોક

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા અજિત પવારનું આજે બુધવારે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. રાજકીય નેતાઓથી લઈને રમતજગતની હસ્તીઓ આ અકાળ અવસાન પર ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર આ સમાચાર સાંભળીને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવભીની પોસ્ટ શેર કરતા લખ્યું કે, "શ્રી અજિત પવારજીના અકાળ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. મહારાષ્ટ્રે એક સમર્પિત નેતા ગુમાવ્યા છે, જેમણે હંમેશા રાજ્યના લોકો અને તેના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. ઓમ શાંતિ."
મળતી માહિતી મુજબ, અજિત પવાર આજે સવારે પોતાના વતન બારામતી જઈ રહ્યા હતા. સવારે ૮.૪૫ મિનિટે વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં અજિત પવારની સાથે વિમાનમાં સવાર અન્ય ૫ લોકોના પણ કરૂણ મોત નીપજ્યા છે, જેમાં તેમના અંગત સહાયક અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે.
અજિત પવાર માત્ર એક રાજકારણી જ નહીં, પરંતુ રમતગમતના પણ મોટા ચાહક હતા. મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન સાથે તેમનો વર્ષો જૂનો નાતો રહ્યો હતો. ખાસ કરીને ક્રિકેટ પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેઓ અનેકવાર ક્રિકેટ એસોસિએશનના કાર્યક્રમોમાં જોવા મળતા હતા. પવાર પરિવાર દાયકાઓથી ભારતીય ક્રિકેટ બોર્ડ અને અન્ય રમતગમત સંસ્થાઓ સાથે જોડાયેલો રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આ દુઃખદ ઘટનાને પગલે રાજ્યમાં ૩ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આવતીકાલે અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
