તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
ટેરર ફંડિંગ કેસમાં સાંસદ એન્જિનિયર રાશિદને મોટો ફટકો: દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી
બારામૂલાના સાંસદની મુશ્કેલી વધી; ટ્રાયલ કોર્ટે નક્કી કરેલા આરોપો સામેની અપીલને હાઈકોર્ટે ગણાવી બિન-ટકાઉ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર ટેરર ફંડિંગ મામલે જેલમાં બંધ બારામૂલાના સાંસદ એન્જિનિયર રાશિદને આજે દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. હાઈકોર્ટે રાશિદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્પષ્ટપણે ફગાવી દેતા જણાવ્યું છે કે આ મામલે ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અપીલ અત્યારે સુનાવણીને પાત્ર નથી. આ ચુકાદા બાદ એન્જિનિયર રાશિદ પર કાયદાકીય ગાળિયો વધુ કસાયો હોય તેમ લાગી રહ્યું છે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ મધુ જૈનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. રાશિદે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની સામે ગંભીર આરોપો (ચાર્જ) નક્કી કરવાના આદેશને પડકાર્યો હતો. જોકે, હાઈકોર્ટની ખંડપીઠે ટેકનિકલ અને કાયદાકીય પાસાઓને ધ્યાને રાખીને કહ્યું કે, ટ્રાયલ કોર્ટના આ આદેશ વિરુદ્ધ રાશિદની અપીલ હાલમાં 'મેન્ટેનેબલ' એટલે કે સુનાવણી યોગ્ય નથી.
એન્જિનિયર રાશિદ પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફંડ પૂરું પાડવાના ગંભીર આરોપો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. જેલમાંથી જ ચૂંટણી જીતીને સાંસદ બનેલા રાશિદે આરોપોમાંથી મુક્તિ મેળવવા માટે કાયદાકીય લડત તેજ કરી હતી, પરંતુ હાઈકોર્ટના આજના આદેશથી તેમને મોટો આંચકો લાગ્યો છે. હવે તેમણે ટ્રાયલ કોર્ટમાં જ આ આરોપોનો સામનો કરવો પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
