<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

UGC ના નવા નિયમો પર બૃજભૂષણ સિંહનો બળાપો: "આ દેશહિતમાં નથી, મિત્રતા જાતિ જોઈને થશે"

કેસરગંજના પૂર્વ સાંસદની આંદોલનની ચીમકી; સાંસદ કરણ ભૂષણે પણ UGC ને નિયમો પર પુનઃવિચાર કરવા કરી અપીલ

ગોંડા: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમોને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેસરગંજના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે આ નવા નિયમોને સમાજમાં ભેદભાવ વધારનારા ગણાવીને તેને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ 'ભેદભાવપૂર્ણ' નિયમો પાછા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે, જેમાં માત્ર સવર્ણ જ નહીં પરંતુ OBC અને SC વર્ગના બુદ્ધિજીવીઓ પણ જોડાશે.
બૃજભૂષણ સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા કહ્યું કે, નવા નિયમોમાં સવર્ણ બાળકો પર કાર્યવાહી અને અન્ય વર્ગોના સંરક્ષણની જે વાત કરવામાં આવી છે, તેનાથી દેશમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. તેમણે ભાવુક થતા ઉમેર્યું કે, "અમારા ગામડાઓમાં દરેક વર્ગના બાળકો વર્ષોથી સાથે રમે છે. જો આવા નિયમો આવશે તો બાળકો હવે જાતિ જોઈને દોસ્તી કરશે, જેનાથી વર્ષો જૂનો પરસ્પર પ્રેમ અને ભાઈચારો ખતમ થઈ જશે." તેમણે અધિકારીઓને એસી ઓફિસ છોડીને જમીની હકીકત જોવા ગામડે આવવા પડકાર ફેંક્યો છે.
બીજી તરફ, કેસરગંજના વર્તમાન સાંસદ કરણ ભૂષણ સિંહે 'X' પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો બનાવવામાં સંસદીય સ્થાયી સમિતિ (જેના તેઓ સભ્ય છે) નો કોઈ ફાળો નથી. તેમણે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓને જાતિગત યુદ્ધનું કેન્દ્ર બનવા દેવામાં આવશે નહીં. તેમણે પણ UGC ને વિનંતી કરી છે કે જનભાવનાનું સન્માન કરીને આ નિયમોમાં જરૂરી સુધારા કરવામાં આવે જેથી સમાજમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન ફેલાય.
નોંધનીય છે કે આ નિયમોના વિરોધમાં ભાજપના જ કેટલાક સ્થાનિક હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે અને દિલ્હી યુનિવર્સિટી (DU) સહિતના કેમ્પસમાં 'UGC રોલ બેક' ના નારા ગુંજી રહ્યા છે.

(10:02 PM IST)