<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ચાંદીના ભંડારમાં કોણ છે 'સુલતાન'? જાણો કયા દેશ પાસે છે સફેદ સોનાનો સૌથી મોટો ખજાનો!

મેક્સિકો અને ચીન વચ્ચે ચાંદીના વર્ચસ્વનો જંગ; ભારત પાસે કેટલો છે સુરક્ષિત સ્ટોક? જાણો રોકાણકારો માટે શું છે લેટેસ્ટ અપડેટ

  રાજકોટ: સોનાની જેમ હવે ચાંદી પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે દુનિયામાં ચાંદીનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે? નિષ્ણાતો અને ડેટા મુજબ, મેક્સિકો વિશ્વમાં ચાંદીના ઉત્પાદન અને ભંડારમાં પ્રથમ હરોળમાં આવે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી પણ ચર્ચા છે કે ચીન પાસે વિશ્વનો મોટો હિસ્સો હોઈ શકે છે. વાસ્તવમાં, ભૌગોલિક ભંડાર અને રિફાઈન્ડ સ્ટોક વચ્ચે મોટો તફાવત હોય છે.
 ભૂગર્ભમાં રહેલી ચાંદીની વાત કરીએ તો મેક્સિકો, પેરુ અને ઓસ્ટ્રેલિયા પાસે સૌથી મોટા અનામત ભંડાર છે. મેક્સિકો દાયકાઓથી વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે. બીજી તરફ, ચીન તેની આધુનિક ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને પહોંચી વળવા માટે ચાંદીનું મોટાપાયે હોલ્ડિંગ કરી રહ્યું છે, જેના કારણે બજારમાં એવી ચર્ચા છે કે ચીન પાસે ૭૦% જેટલી ચાંદી હોઈ શકે છે, જે મોટે ભાગે ઔદ્યોગિક વપરાશ માટે હોય છે.
ભારત માટે ચાંદી માત્ર ધાતુ નથી પણ સંસ્કૃતિનો હિસ્સો છે. ભારત વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ભારતના ભૂગર્ભમાં ચાંદીનો ભંડાર મર્યાદિત છે (મુખ્યત્વે રાજસ્થાનમાં હિન્દુસ્તાન ઝિંક દ્વારા ઉત્પાદન), પરંતુ ભારતીય પરિવારો પાસે ઘરેણાં અને સિક્કા સ્વરૂપે હજારો ટન ચાંદી સુરક્ષિત છે. વર્તમાન આંકડા મુજબ, ભારતીય સેન્ટ્રલ રિઝર્વમાં ચાંદી કરતા સોના પર વધુ ધ્યાન અપાય છે, પરંતુ ઘરેલું બજારમાં રોકાણના હેતુથી ચાંદીનો સ્ટોક સતત વધી રહ્યો છે.
 સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો અને 5G ટેકનોલોજીમાં ચાંદીનો ભરપૂર વપરાશ થાય છે. આથી, જે દેશ પાસે ચાંદીનો વધુ ભંડાર હશે, તે દેશ ભવિષ્યમાં ટેકનોલોજીના ક્ષેત્રે પાવર હાઉસ બની શકે છે. હાલમાં જે રીતે ચાંદીના ભાવ વધી રહ્યા છે, તેને જોતા મેક્સિકો અને પેરુ જેવા દેશોની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થવાની આશા છે.

(10:07 PM IST)