<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

વકફ વિવાદો પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા: ટ્રિબ્યુનલ પાસે સર્વોચ્ચ સત્તા નથી: સિવિલ કોર્ટના દરવાજા હજુ પણ ખુલ્લા

કલમ ૮૫નું નવું અર્થઘટન: દરેક પ્રોપર્ટી વકફ નથી અને દરેક વિવાદ ટ્રિબ્યુનલનો નથી : ભાડૂઆત, મનાઈ હુકમ અને નોંધણી વગરની મિલકતો પર સામાન્ય કોર્ટ જ નિર્ણય લેશે : સર્વોચ્ચ અદાલતે મર્યાદાઓ નક્કી કરી

નવી દિલ્હી:  વકફ બોર્ડ અને મિલકતોના વિવાદોને લઈને ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. જસ્ટિસ વિનોદ ચંદ્રન અને સંજય કુમારની બેન્ચે ચુકાદો આપ્યો છે કે 'વકફ એક્ટ ૧૯૯૫' ની કલમ ૮૫ હેઠળ સિવિલ કોર્ટનું અધિકારક્ષેત્ર આપમેળે ખતમ થઈ જતું નથી. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે વકફ ટ્રિબ્યુનલ કોઈ 'સર્વવ્યાપી' સંસ્થા નથી. ઘણા કિસ્સાઓમાં વકફ બોર્ડ એવી દલીલ કરતું હોય છે કે વકફ સંબંધિત કોઈ પણ મુદ્દો હોય તો માત્ર ટ્રિબ્યુનલ જ સાંભળી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ ભ્રમને તોડી નાખ્યો છે અને સામાન્ય નાગરિકો માટે ન્યાયના માર્ગો મોકળા કર્યા છે.

સુપ્રીમ કોર્ટે મિલકતની નોંધણી બાબતે સૌથી મોટો મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ મિલકત 'વકફની સત્તાવાર યાદી'માં નોંધાયેલી ન હોય, તો વકફ ટ્રિબ્યુનલ તેના પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતી નથી. આ ઉપરાંત, ભાડૂઆતોને ઘર ખાલી કરાવવા, લીઝ હોલ્ડરના અધિકારો નક્કી કરવા કે સામાન્ય મનાઈ હુકમ (Injunction) આપવાની સત્તા પણ ટ્રિબ્યુનલ પાસે નથી. કોર્ટે અવલોકન કર્યું કે ૨૦૧૩ના સુધારા બાદ પણ ટ્રિબ્યુનલની સત્તાઓ મર્યાદિત છે. અતિક્રમણ દૂર કરવા જેવી બાબતોમાં પણ વકફ બોર્ડના સીઈઓ (CEO) ને મુખ્ય સત્તા આપવામાં આવી છે, નહીં કે ટ્રિબ્યુનલને.

આ ચુકાદો હબીબ અલાદ્દીન વિરુદ્ધ મોહમ્મદ અહેમદના કેસમાં આવ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરને મસ્જિદ જાહેર કરીને ત્યાં નમાજ અટકાવવા સામે મનાઈ હુકમ માંગવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટ બંનેના અગાઉના આદેશો રદ કરી દીધા છે, કારણ કે પ્રશ્નમાં રહેલી મિલકત વકફ તરીકે નોંધાયેલી જ નહોતી. આ ઐતિહાસિક ચુકાદાથી હવે હજારો એવા કેસો પર અસર પડશે જ્યાં મિલકતોની માલિકીને લઈને સિવિલ કોર્ટ અને વકફ ટ્રિબ્યુનલ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. હવેથી, પ્રોપર્ટી વકફ છે કે નહીં તે સાબિત કર્યા વગર ટ્રિબ્યુનલ સીધો હસ્તક્ષેપ કરી શકશે નહીં.

(10:18 PM IST)