<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સવારે બારામતી જાઉં છું, કાલે વાત કરીશઃ પિંકી માળીનો છેલ્‍લો કોલ

પિતાની ઇચ્‍છા પૂરી કરવા એરલાઈન્‍સમાં જોબ મેળવી : મુંબઈની પિંકીએ પાંચ વર્ષમાં સાથે ફરજ બજાવી વીવીઆઈપીઓ અનેક હતીઃ પિતા એનસીપીના કાર્યકર

મુંબઈ,તા.૨૯: પિતાની ઇચ્‍છા પૂરી કરવા માટે એરલાઈન્‍સમાં જોબ મેળવનારી ફલાઈટ અટેન્‍ડન્‍ટ પિન્‍કી માળીએ બારામતીના ગોઝારા પ્‍લેન અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યો હતો. પુત્રીના મૃત્‍યુના સમાચાર સાંભળી ભાંગી પડેલા પ્રભાદેવીમાં રહેતા તેના પિતા શિવકુમાર માળીએ ગળગળા સાદે જણાવ્‍યું હતું કે આગલી રાત્રે પિન્‍કીએ મને પોન કરીને કહ્યું હતું કે હું અર્જિત પવાર સાથે બારામતી જાઉ છું અને ત્‍યાંથી નાંદેડ જવાની છું. એટલે પછી કાલે નિરાંતે વાત કરીશ. કોને ખબર હતી કે કાલ & ક્‍યારે ય નહીં આવે ?

પિન્‍કી માળી દિલ્‍હી સ્‍થિત વિએસઆર વેન્‍ચર્સના લીઅરજેટ-૪૬ ચાર્ટર્ડ એરક્રાફટમાં ફલાઈટ અટેન્‍ડન્‍ટ તરીકે ફરજ બજાવતી હતી. છેલ્‍લા પાંચ વર્ષ દરમ્‍યાન તેણે રાષ્ટ્ર પતિ, મુખ્‍ય પ્રધાનો સહિત અનેક રાજકીય નેતાઓને લઇ જતા વિમાનમાં ફરજ બજાવી હતી. આજે અજિત પવાર સાથે તે ચોતી વખત જઈ રહી હતી ત્‍યારે તેને કાળ ભરખી ગયો હતો.

એનસીપીના કાર્યકર શિવકુમાર માળીએ જણાવ્‍યું હતું કે આજે સવારે સ્‍થાનિક નેતા સમાધાન સરવણખરે મને ફોન ક રીને કહ્યું કે અજિત પવારનું પ્‍લેન તૂટી પડ્‍યું છે મેં તરત ધ્રુઝતા હાથે ટીવી ચાલું કરતા આ ભયાનક અકસ્‍માતના સમાચાર જાણવા મળ્‍યા હતા. મારી દીકરી એર-ઈન્‍ડિયાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તે દિલ્‍હીની વિએસઆર વેન્‍ચર્સમાં જોડાઈ હતી.

તાજેતરમાં જ અજિત પવાર સાથે મારી દીકરી પ્‍લેનમાં જતી હતી ત્‍યારે તેણે ફરિયાદ કરી હતી કે તમે આખા મહારાષ્ટ્રમાં ફરો છો પણ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોનું ધ્‍યાન નથી રાખતા. પવારે  પૂછ્‍યું તું આમ કેમ કહે છે ? ત્‍યારે પિન્‍કીએ કહેલું કે મારા પપ્‍પા ૩૫ વર્ષથી પક્ષના કાર્યકર છે. આ સાંભળી અજિત પવારે મને ફોન કર્યો, પણ એ વખતે હું ડ્રાઇવિગ કરતો હતો એટલે ફોન ઉપાડી નહોતો શક્‍યો. ત્‍યાર પછી એવો સંદેશ મળેલો કે અજિત પવાર મારી સાથે વાત કરવા માગે છે. કમભાગ્‍યે હવે ક્‍યારેય વાત નહીં થાય.

પિન્‍કીનું સાસરૂ થાણેમાં છે. છેલ્‍લે તે મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં વોટ આપવા માટે પ્રભાદેવી પોતાને પિયર આવી હતી.

(9:56 AM IST)