<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

યુએસ ફેડરલ રિઝર્વે વ્‍યાજ દર યથાવત રાખ્‍યા

ફુગાવો અને મજબૂત અર્થતંત્ર વચ્‍ચે યુએસ ફેડરલ રિઝર્વનો મોટો નિર્ણય

ન્‍યુયોર્ક તા.૨૯: યુનાઇટેડ સ્‍ટેટ્‍સની સેન્‍ટ્રલ બેંક એટલે કે યુએસ ફેડરલ રિઝર્વે તાજેતરમાં એક મહત્‍વનો નિર્ણય લીધો છે. બે દિવસ સુધી ચાલેલી બેઠક બાદ ફેડે જાહેર કર્યું કે હાલ માટે વ્‍યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ફેડના જણાવ્‍યા અનુસાર અમેરિકાનું અર્થતંત્ર હજુ પણ સારી ગતિએ આગળ વધી રહ્યું છે. લોકો પાસે રોજગાર છે, ખર્ચ કરવાની ક્ષમતા છે અને બજારમાં સ્‍થિરતા જોવા મળી રહી છે. જોકે બીજી તરફ ફુગાવો હજુ પણ ફેડના લક્ષ્ય કરતાં થોડો વધુ હોવાથી બેંક કોઈ ઉતાવળો નિર્ણય લેવા માંગતી નથી.

ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) એ બહુમતીથી નિર્ણય લીધો કે ફેડરલ ફંડ રેટ ૩.૫૦% થી ૩.૭૫%ની રેન્‍જમાં જ રાખવામાં આવશે. ફેડનું માનવું છે કે હાલની પરિસ્‍થિતિમાં દર ઘટાડવાથી ફુગાવો ફરી વધવાનો ખતરો રહી શકે છે. ફેડે સ્‍પષ્ટ કર્યું કે, ભવિષ્‍યમાં વ્‍યાજ દર ઘટાડવામાં આવશે કે નહીં, તે સંપૂર્ણપણે આગામી સમયના આર્થિક આંકડાઓ પર આધાર રાખશે. ખાસ કરીને ફુગાવાના આંકડા, રોજગાર બજારની સ્‍થિતિ અને વૃદ્ધિની ગતિ પર ધ્‍યાન રાખવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, રોજગાર બજારમાં થોડું સંતુલન જોવા મળી રહ્યું છે. નવી નોકરીઓનું સર્જન હવે સામાન્‍ય ગતિએ થઈ રહ્યું છે, જે અર્થતંત્ર માટે સકારાત્‍મક સંકેત ગણાય છે. તેમ છતાં, ફુગાવો હજુ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવ્‍યો નથી.

ફેડની બેઠક પહેલાં જ મોટાભાગના બજાર નિષ્‍ણાતો અનુમાન લગાવી રહ્યા હતા કે વ્‍યાજ દર સ્‍થિર જ રહેશે. કેટલીક મીડિયા રિપોર્ટ્‍સમાં રાજકીય દબાણની ચર્ચા થઈ હતી, પરંતુ ફેડે સ્‍પષ્ટ રીતે બતાવ્‍યું કે તેની નીતિઓ સંપૂર્ણપણે આર્થિક પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને નક્કી થાય છે.

 

(10:20 AM IST)