<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પાકિસ્તાનની 'ગરીબીમાં અમીરી': 286 અબજ ડોલરના દેવામાં ડૂબેલું હોવા છતાં ટ્રમ્પના 'પીસ બોર્ડ' માટે 1 અબજ ડોલર ખર્ચશે!

IMF અને વિશ્વ બેંક પાસેથી લીધેલી લોન હવે અમેરિકાના ખિસ્સામાં જશે? ગાઝામાં શાંતિના બહાને પાકિસ્તાન રમી રહ્યું છે મોટો રાજદ્વારી જુગાર

ઇસ્લામાબાદ : કહેવાય છે કે જ્યારે ઘર સળગતું હોય ત્યારે તમાશો ન જોવો જોઈએ, પણ પાકિસ્તાન અત્યારે કંઈક આવું જ કરી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનનું અર્થતંત્ર વેન્ટિલેટર પર છે અને કુલ દેવું 286.8 અબજ ડોલરને પાર કરી ગયું છે, ત્યારે બીજી તરફ શાહબાઝ સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 'પીસ બોર્ડ'માં સભ્યપદ મેળવવા માટે 1 અબજ ડોલર (આશરે ₹8,300 કરોડથી વધુ) આપવા તૈયાર થઈ છે.
શું છે આ 'પીસ બોર્ડ' અને પાકિસ્તાનનો ઉત્સાહ?
ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવા માટે એક 'પીસ બોર્ડ' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બોર્ડમાં કાયમી સભ્યપદ મેળવવા માટે કોઈપણ દેશે 1 અબજ ડોલરનું યોગદાન આપવું પડે તેમ છે. ભારત સહિતના દેશોએ હજુ આ બાબતે મૌન સેવ્યું છે અને ફ્રાન્સ-કેનેડા જેવા વિકસિત દેશોએ ધરાર ના પાડી દીધી છે, ત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલા પાકિસ્તાને હરખપદૂડા થઈને આ ફી ભરવાની સંમતિ આપી છે.
લોનના પૈસે 'વ્હાઇટ હાઉસ'ના સપના
પાકિસ્તાનની આર્થિક હાલત એવી છે કે તેની પાસે માત્ર 10.33 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ વધ્યું છે. હજુ ગયા મહિને જ IMFએ પાકિસ્તાનને 1.2 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ આપ્યું છે અને વિશ્વ બેંકે પણ 700 મિલિયન ડોલરની મદદ કરી છે. સવાલ એ ઉભો થાય છે કે શું પાકિસ્તાન ગરીબ જનતાના વિકાસ માટે મળેલી લોનનો ઉપયોગ ટ્રમ્પના લોબી ગ્રુપમાં જોડાવવા માટે કરી રહ્યું છે?
વિદેશ નીતિ કે આત્મઘાતી કદમ?
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર આ કદમને ગાઝા અને વૈશ્વિક શાંતિ માટેની પ્રતિબદ્ધતા ગણાવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તેને પાકિસ્તાનની 'રાજદ્વારી મહત્વાકાંક્ષા' ગણાવી રહ્યા છે. દેવું ચૂકવવા માટે UAE અને અન્ય દેશો પાસે મુદત વધારવાની ભીખ માંગતું પાકિસ્તાન જ્યારે આટલી મોટી રકમ ફી તરીકે આપવાની વાત કરે, ત્યારે તેની આર્થિક પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે.

(5:40 PM IST)