<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પ્રેમની જાળમાં 'પિગ બૂચર સ્કેમ: મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલી હસીનાએ ઇન્દોરના યુવાનના ₹64 લાખ ખંખેર્યા

લગ્નની લાલચ આપીને શેરબજારમાં રોકાણ કરાવ્યું; નફો દેખાડીને વિશ્વાસ જીત્યો અને પછી રાતોરાત યુવતી ગાયબ, ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ

ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 'પિગ બૂચર (Pig Butchering) કૌભાંડનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનને મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રેમમાં ફસાવી, તેની પાસેથી એક-બે નહીં પણ પૂરા 64 લાખ રૂપિયાનું રોકાણ કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે યુવાને પોતાનો નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે તે જે વેબસાઇટ પર રોકાણ કરી રહ્યો હતો તે સાવ નકલી હતી.
મેટ્રિમોનિયલ સાઇટથી શરૂ થઈ ઠગાઈની સ્ક્રિપ્ટ
ભોગ બનનાર યુવાને લગ્ન માટે એક જાણીતી મેટ્રિમોનિયલ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યાં તેને એક યુવતીનો સંપર્ક થયો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે તેઓ નજીક આવ્યા. યુવતીએ પોતાની ઓળખ એક 'ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર' તરીકે આપી હતી. તેણે યુવાનને વિશ્વાસમાં લીધો કે જો તે શેરબજારમાં તેના કહેવા મુજબ રોકાણ કરશે, તો તેને ટૂંક સમયમાં મોટો ફાયદો થશે.
પહેલા નફો બતાવ્યો અને પછી ખેલ ખતમ
યુવતીની વાતોમાં આવીને યુવાને તેણે બતાવેલી એક નકલી વેબસાઇટ પર પૈસા જમા કરાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં યુવાનને તેના ઓનલાઇન એકાઉન્ટમાં નફો પણ જોવા મળ્યો, જેથી તેનો વિશ્વાસ વધુ મજબૂત થયો. આ રીતે તેણે કુલ ₹64 લાખ રોકાણ કરી દીધા. પરંતુ જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે યુવતીએ સંપર્ક તોડી નાખ્યો. છેવટે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેણે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચનો દરવાજો ખખડાવ્યો છે.
શું છે આ 'પિગ બૂચર કૌભાંડ?
ક્રાઇમ બ્રાન્ચના એડી ડીસીપી રાજેશ દંડોટિયાએ જણાવ્યું કે આ 'પિગ બૂચર કૌભાંડ છે. જે રીતે કસાઈ ડુક્કરને કાપતા પહેલા તેને ખવડાવી-પીવડાવીને મોટું કરે છે, તેમ આ કૌભાંડમાં ઠગબાજો પહેલા ભોગ બનનારનો વિશ્વાસ જીતે છે, તેને થોડો નફો બતાવે છે અને જ્યારે મોટી રકમ જમા થઈ જાય ત્યારે બધું લઈને ભાગી જાય છે. હાલ પોલીસ તે બેંક એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે જેમાં પૈસા ટ્રાન્સફર થયા હતા.

(5:42 PM IST)