હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વારાણસીમાં ગંગા નદી પર બનશે 'ડબલ ડેકર' મહાસેતુ: RVNL ને મળ્યો ₹૧,૨૦૧ કરોડનો મેગા પ્રોજેક્ટ: શેરબજારમાં પણ તેજી
માલવિયા બ્રિજની બાજુમાં આધુનિક એન્જિનિયરિંગનો નમૂનો: નીચે ૪ રેલવે ટ્રેક અને ઉપર ૬-લેનનો હાઈવે : વારાણસીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ : પ્રોજેક્ટ મળતા જ RVNL ના શેરમાં ૬ ટકાનો જબરદસ્ત ઉછાળો

વારાણસી: ધાર્મિક નગરી વારાણસીમાં ગંગા નદી પર ટૂંક સમયમાં જ આધુનિક એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો જોવા મળશે. રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને GPT ઇન્ફ્રાના સંયુક્ત સાહસને ઉત્તરી રેલવે તરફથી ₹૧,૨૦૧.૩૬ કરોડનો માતબર કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કાશી રેલવે સ્ટેશન પાસે આવેલા ઐતિહાસિક માલવિયા બ્રિજની બરાબર બાજુમાં એક નવો રેલ-કમ-રોડ બ્રિજ બનાવવામાં આવશે. આ પુલ વારાણસીના પરિવહન ક્ષેત્રે 'ગેમ ચેન્જર' સાબિત થશે, કારણ કે તે રેલવે અને રોડ કનેક્ટિવિટીને એકસાથે નવી ઊંચાઈ પર લઈ જશે.
આ નવો બ્રિજ માત્ર મજબૂત જ નહીં પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અત્યંત આધુનિક હશે. તેમાં 'ઓપન-વેબ સ્ટીલ ગર્ડર્સ'નો ઉપયોગ કરવામાં આવશે, જે તેની મજબૂતીમાં વધારો કરશે. પુલની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે તેના નીચેના ડેક પર ૪ રેલવે ટ્રેક હશે, જ્યારે ઉપરના ડેક પર ૬-લેનનો વિશાળ રોડ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં માત્ર પુલ જ નહીં પણ તેના એપ્રોચ રોડ, ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) અને જનરલ ઇલેક્ટ્રિકલ કામોનો પણ સમાવેશ થાય છે, જેથી સમગ્ર વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો થશે.
આ મોટા પ્રોજેક્ટની જાહેરાત થતા જ શેરબજારમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. RVNL, જે આ સંયુક્ત સાહસમાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે, તેના શેરના ભાવમાં બુધવારે ૬.૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે ₹૩૪૪.૧૫ ના સ્તરે બંધ થયો હતો. રોકાણકારો માટે આ એક મોટા સમાચાર છે કારણ કે આ પ્રોજેક્ટથી કંપનીની 'ઓર્ડર બુક' વધુ મજબૂત બની છે. વારાણસીમાં વધતા પ્રવાસન અને ભીડને જોતા આ નવો રેલ-કમ-રોડ પુલ ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
