રહાણેનો પાકિસ્તાન પર 'પ્રહાર': "તેમનામાં વર્લ્ડ કપ છોડવાની હિંમત નથી": બહિષ્કારની ધમકી આપતા PCBની કાઢી બોલતી બંધ
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલા ક્રિકેટના મેદાનમાં રાજકીય ગરમાવો: બાંગ્લાદેશ આઉટ અને સ્કોટલેન્ડ ઇન થયા બાદ પાકિસ્તાનનો 'બહિષ્કાર' ડ્રામા

મુંબઈ: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેદાન પરના ચોગ્ગા-છગ્ગા પહેલા મેદાનની બહાર નિવેદનબાજીનો જંગ જામ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને સુરક્ષાના કારણોસર ભારત આવવાની ના પાડતા ICC એ તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે, જેના પગલે પાકિસ્તાન હવે "બહિષ્કાર" ની ધમકીઓ આપી રહ્યું છે. જોકે, ભારતના મક્કમ બેટ્સમેન અજિંક્ય રહાણેએ પાકિસ્તાનની આ ધમકીને પાયાવિહોણી ગણાવતા કહ્યું છે કે, પાકિસ્તાનમાં એટલી હિંમત નથી કે તેઓ આટલી મોટી ટુર્નામેન્ટ છોડી શકે. રહાણેના મતે, પાકિસ્તાન માત્ર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, વાસ્તવિકતામાં તેઓ ભારત આવ્યા વગર રહી શકશે નહીં.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશે તેની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી, જેને ICC એ ઠુકરાવી દીધી હતી. હવે પાકિસ્તાન બાંગ્લાદેશના સમર્થનમાં ઉતરી આવ્યું છે અને ભારત પર બેવડા ધોરણોનો આરોપ લગાવી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ આ મામલે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ચર્ચા કરવાની વાત કરી છે. પરંતુ રહાણેની સાથે હાજર રહેલા જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ પાકિસ્તાનની આ હિલચાલને માત્ર 'દેખાડો' ગણાવ્યો છે. ભોગલેના મતે, પાકિસ્તાન માટે આર્થિક અને રમતગમતની દ્રષ્ટિએ વર્લ્ડ કપ છોડવો અશક્ય છે અને તેઓ ચોક્કસપણે રમવા આવશે.
હાલમાં ICC એ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી આપી દીધી છે, જેનાથી પાકિસ્તાનની રણનીતિને મોટો ફટકો પડ્યો છે. ૭ ફેબ્રુઆરીથી શરૂ થનારા આ મહાકુંભમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર પર આખી દુનિયાની નજર છે. આઇસલેન્ડ ક્રિકેટે પણ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની મજાક ઉડાવતા કહ્યું હતું કે ધમકીઓ આપવી એ પાકિસ્તાની બોર્ડની જૂની આદત છે. હવે જ્યારે અજિંક્ય રહાણે જેવા સીનિયર ખેલાડીએ પડકાર ફેંક્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે પાકિસ્તાની ટીમ ખરેખર ભારત આવવાની 'હિંમત' બતાવે છે કે પછી ઘરભેગી થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
