<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

૨૦ વર્ષ જૂના વિવાદનો સુખદ અંત: દિલ્હી કોર્ટે LG વી.કે. સક્સેનાને કર્યા દોષમુક્ત, મેઘા પાટકરનો કેસ રદ

સાકેત કોર્ટે માનહાનિના કેસમાં LGને આપી મોટી રાહત; પુરાવા સાબિત કરવામાં નિષ્ફળ રહેતા સામાજિક કાર્યકર્તાની અરજી ફગાવી

નવી દિલ્હી : નવી દિલ્હીની સાકેત કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને મોટી રાહત આપતા સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર દ્વારા દાખલ કરવામાં આવેલો ૨૦ વર્ષ જૂનો માનહાનિનો કેસ રદ કર્યો છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ રાઘવ શર્માએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી (મેઘા પાટકર) આરોપી વિરુદ્ધના આરોપો શંકાની બહાર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે જ દાયકાઓ જૂના વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયો હતો. તે સમયે વી.કે. સક્સેના અમદાવાદ સ્થિત NGO 'નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ' (NCCL) ના પ્રમુખ હતા. મેઘા પાટકરે આરોપ લગાવ્યો હતો કે સક્સેનાએ તેમની અને 'નર્મદા બચાવો આંદોલન' વિરુદ્ધ અખબારોમાં અપમાનજનક જાહેરાતો છપાવી હતી. આ મામલે પાટકરે સક્સેના વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

બંને પક્ષોને મળી રાહત

આ કાનૂની લડાઈમાં બંને પક્ષોએ એકબીજા સામે કેસ કર્યા હતા. નોંધનીય છે કે, અગાઉ જાન્યુઆરી ૨૦૨૬માં જ કોર્ટે વી.કે. સક્સેના દ્વારા મેઘા પાટકર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા એક અલગ માનહાનિ કેસમાં પાટકરને પણ નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સક્સેનાને પણ આ કેસમાં રાહત મળતા બંને વચ્ચેનો કાયદાકીય ગજગ્રાહ શાંત થયો છે.

કોર્ટનું મહત્વનું અવલોકન

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે ફરિયાદી પક્ષ એવા કોઈ મજબૂત પુરાવા રજૂ કરી શક્યો નથી જે સાબિત કરે કે સક્સેનાએ જાણીજોઈને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોય. બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ માટે આ ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનાથી તેમની છબી પર લાગેલા વર્ષો જૂના ડાઘ ભૂંસાઈ ગયા છે

(6:54 PM IST)