<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સોનાની શોધમાં 'પાગલ' થયું આખું ગામ! રાજગઢમાં 500 વર્ષ જૂનો ખજાનો મળ્યો હોવાની અફવાએ મચાવી ભારે ધાંધલ

રસ્તા પર નખાયેલી મહેલની માટીમાંથી સિક્કા ચમકતા હોવાનો વીડિયો વાયરલ; નસીબ અજમાવવા લોકો ઉમટ્યા, પણ જેમને સિક્કા મળ્યા છે તેઓ રહસ્યમય રીતે ગાયબ!

છતરપુર : મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજગઢ ગામમાં અત્યારે અજીબોગરીબ સ્થિતિ છે. ગામના રસ્તાનું સમારકામ કરવા માટે રાજગઢ મહેલની આસપાસથી માટી મંગાવવામાં આવી હતી. બુધવારે રાત્રે વરસાદ પડ્યા બાદ આ માટી ધોવાઈ અને તેમાંથી સોનાના સિક્કા ચમકતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. બસ, પછી તો શું! રાતોરાત અમીર બનવાના સપના સાથે આખું ગામ પાવડા અને તગારા લઈને રસ્તા પર ઉતરી આવ્યું છે.

મુઘલ કાળનો ખજાનો હોવાનો દાવો

ગામના સરપંચ રમેશ પ્રસાદના જણાવ્યા મુજબ, રસ્તાને સમતળ કરવા માટે જે માટી નાખવામાં આવી હતી તે ઐતિહાસિક રાજગઢ મહેલના પરિસરમાંથી આવી હતી. વરસાદ પછી કેટલાક બાળકોને ત્યાંથી સિક્કા મળ્યા હતા. એવું કહેવાય છે કે આ સિક્કાઓ પર અરબી ભાષામાં લખાણ છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ આશરે 500 વર્ષ જૂનો મુઘલ કાળનો ખજાનો હોઈ શકે છે.

પોલીસના ડરથી નસીબદારો ભૂગર્ભમાં

ચોંકાવનારી વાત એ છે કે, જે લોકોને ખરેખર સિક્કા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તે તમામ લોકો અત્યારે ગામમાંથી ગુમ છે અથવા તો ચૂપચાપ બેસી ગયા છે. ગ્રામજનોનું માનવું છે કે જેમને પણ સોનું મળ્યું છે, તેઓ પોલીસ અને વહીવટીતંત્રના ડરથી સામે આવતા નથી, કારણ કે નિયમ મુજબ આ ખજાનો સરકારી તિજોરીમાં જમા કરાવવો પડે. અત્યારે તો 50 કિમી દૂરથી પણ લોકો પોતાના પરિવાર સાથે અહીં માટી ખોદવા આવી રહ્યા છે.

તંત્રની મૌન ભૂમિકા

ગામમાં મેળા જેવો માહોલ છે અને લોકો દિવસ-રાત માટી ઉલેચી રહ્યા છે, છતાં હજુ સુધી વહીવટીતંત્ર કે પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ખરેખર સોનું છે કે પછી પિત્તળના સિક્કા છે, તે તપાસ પછી જ ખબર પડશે. પણ હાલ તો રાજગઢના રસ્તાઓ પર 'સોનાની શોધ' જોરશોરથી ચાલી રહી છે.

(7:01 PM IST)