<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અજિત પવાર પ્લેન ક્રેશ: મોતના ૨૪ કલાક બાદ મળ્યું 'બ્લેક બોક્સ', હવે ખુલશે પાયલોટ અને ATC વચ્ચેની છેલ્લી વાતચીતનું રહસ્ય

બારામતીમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર; તપાસમાં સામે આવ્યું કે લેન્ડિંગના માત્ર ૧ મિનિટ પહેલા જ વિમાન સાથેનો સંપર્ક તૂટ્યો હતો

બારામતી:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધનથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. બુધવારે સવારે બારામતી એરપોર્ટ નજીક થયેલા ચાર્ટર્ડ પ્લેન ક્રેશમાં અજિત પવાર સહિત પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આજે ગુરુવારે જ્યારે બારામતીમાં હજારો સમર્થકોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે બીજી તરફ તપાસ એજન્સીઓએ દુર્ઘટનાના સ્થળેથી વિમાનનું બ્લેક બોક્સ (કોકપીટ વોઈસ રેકોર્ડર અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર) કબજે કર્યું છે.
 પ્રારંભિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે હૃદયદ્રાવક છે. વિમાનને સવારે ૮:૪૩ વાગ્યે રનવે ૧૧ પર લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ તેના બરાબર એક મિનિટ પછી એટલે કે ૮:૪૪ વાગ્યે ATC (એર ટ્રાફિક કંટ્રોલ) ના અધિકારીઓએ રનવે નજીક ભયાનક આગની જ્વાળાઓ જોઈ હતી. પાયલોટે લેન્ડિંગની પરવાનગી તો મેળવી હતી, પરંતુ તે બાદ કોઈ પુષ્ટિ આપી નહોતી. બ્લેક બોક્સ દ્વારા હવે એ જાણી શકાશે કે છેલ્લી ક્ષણોમાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનને કારણે પાયલોટે નિયંત્રણ ગુમાવ્યું હતું.
 નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે બારામતીમાં વિઝિબિલિટી (દૃશ્યતા) ખૂબ જ ઓછી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યું છે કે વિમાન લેન્ડિંગ પહેલા અચાનક એક તરફ નમી ગયું હતું અને રનવેની ડાબી બાજુએ જોરદાર ધડાકા સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે તેમના અંગત સુરક્ષા અધિકારી અને ત્રણ ક્રૂ મેમ્બરોએ પણ જીવ ગુમાવ્યા છે.
DGCA અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ અત્યારે બારામતીમાં ધામા નાખીને બેઠી છે. વિમાનના એન્જિનના અવશેષો અને બ્લેક બોક્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી પાયલોટની ક્ષતિ? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં બ્લેક બોક્સના રિપોર્ટ બાદ સામે આવશે. મહારાષ્ટ્ર સરકારે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

(7:37 PM IST)