<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

યુવરાજ સિંહની ભાવુક કબૂલાત: "બાળપણમાં માતા-પિતાના પ્રેમ માટે તરસ્યો હતો, પણ હવે પત્નીની મદદથી બાળકો માટે 'પરફેક્ટ ડૅડ' બન્યો છું"

મુશ્કેલ સમયમાં હેઝલ કીચ બની યુવીની તાકાત; કેન્સરથી લઈને નિવૃત્તિ સુધીના સંઘર્ષમાં પત્નીના મક્કમ સાથને યાદ કરી સિક્સર કિંગ ભાવુક થયો

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનના એવા પાસાઓ પરથી પડદો ઉઠાવ્યો છે જે ભાગ્યે જ કોઈ જાણે છે. યુવીએ સ્વીકાર્યું કે બાળપણમાં રમત પાછળના પાગલપન અને પિતાના કડક વલણને કારણે તે પોતાના માતા-પિતા સાથે પૂરતો સમય વિતાવી શક્યો ન હતો, જેનો ડંખ તેને આજે પણ લાગે છે.
યુવરાજે તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કાઓ - પછી તે કેન્સર સામેની લડાઈ હોય કે ફોર્મ ગુમાવ્યા બાદ ટીમની બહાર થવાનું દુઃખ - તે સમયે તેની પત્ની હેઝલ કીચે જે રીતે તેને સંભાળ્યો તે બદલ આભાર માન્યો હતો. યુવરાજે કહ્યું, "હેઝલના મક્કમ સાથને કારણે જ હું ડિપ્રેશન અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શક્યો. તેણે મને માત્ર માનસિક રીતે જ નહીં, પણ એક સારા વ્યક્તિ બનવામાં પણ મદદ કરી છે."
 પત્ની હેઝલની પ્રેરણાથી યુવરાજ આજે પોતાના બાળકો માટે એક આદર્શ પિતા (Perfect Dad) બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જે સમય અને પ્રેમ તેને બાળપણમાં ન મળ્યો, તે બધું જ તે પોતાના બાળકોને આપવા માંગે છે. તે હવે પોતાના પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવે છે અને બાળકોના ઉછેરમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

(7:38 PM IST)