હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
UGC ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો 'બ્રેક': CJI એ કહ્યું- "આ નિયમો સમાજને વહેંચવાનું કામ કરશે, અમેરિકા જેવી સ્થિતિ ન સર્જાય"
નવા 'ઇક્વિટી નિયમો' અસ્પષ્ટ અને દુરુપયોગને પાત્ર હોવાનું જણાવી કોર્ટે લગાવી રોક; હવે જૂની ૨૦૧૨ ની વ્યવસ્થા જ અમલી રહેશે

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 'યુજીસી (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન) નિયમો, ૨૦૨૬' પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, આ નિયમો પ્રથમ દૃષ્ટિએ અત્યંત અસ્પષ્ટ છે અને તેના કારણે સમાજમાં ભાગલા પડી શકે તેવી ભયાનક અસરો સર્જાઈ શકે છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે, "આપણે એવી સ્થિતિમાં નથી પહોંચવું જ્યાં અમેરિકાની જેમ શાળાઓ અને કોલેજોમાં વર્ણભેદના આધારે અલગ-અલગ વ્યવસ્થા કરવી પડે."
UGC એ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ નવા નિયમો જાહેર કર્યા હતા. જેમાં 'જાતિ આધારિત ભેદભાવ'ની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. આનાથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી હતી, કારણ કે તેઓ આ સુરક્ષા કવચમાંથી બહાર રહી ગયા હતા. આ ઉપરાંત, ખોટી ફરિયાદો સામે રક્ષણનો અભાવ અને 'ઇક્વિટી સ્ક્વોડ' જેવી જોગવાઈઓથી કેમ્પસમાં દેખરેખ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થવાની દહેશત હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને UGC ને નોટિસ જારી કરી છે. કોર્ટે સરકારને સૂચન કર્યું છે કે, ખ્યાતનામ કાયદાશાસ્ત્રીઓની એક સમિતિ બનાવીને આ નિયમો પર ફરીથી વિચાર કરવામાં આવે. ત્યાં સુધી ૨૦૧૨ ના જૂના નિયમો જ અમલમાં રહેશે. કોર્ટે કલમ-૧૪૨ હેઠળની પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને ખાતરી આપી છે કે શિક્ષણ સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ સ્વીકારવામાં આવશે નહીં.
આ નિયમોને કારણે યુપીમાં એક એસડીએમ દ્વારા રાજીનામું આપવા સુધીની ઘટનાઓ બની હતી. ભાજપના જ કેટલાક નેતાઓ આનો અંદરખાને વિરોધ કરી રહ્યા હતા. વિપક્ષી નેતાઓ, જેમાં અખિલેશ યાદવનો પણ સમાવેશ થાય છે, તેમણે કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને માંગ કરી છે કે કાયદો સર્વસમાવેશક હોવો જોઈએ જેથી કોઈ પણ નિર્દોષ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
