હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિન્દુસ્તાન કોપરના શેરમાં ૧૯% નો બ્લાસ્ટ: માત્ર ૩ મહિનામાં રોકાણકારોના નાણાં બમણા; જાણો કેમ 'તાંબુ' બન્યું સોનું!
વૈશ્વિક બજારમાં કોપરના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા સરકારી કંપનીના શેરમાં જોરદાર લેવાલી; એક વર્ષમાં ૨૩૦% અને ૫ વર્ષમાં ૧૧૫૦% થી વધુનું વળતર

મુંબઈ : જો તમે સોના અને ચાંદીના વધતા ભાવ જોઈને દંગ રહી ગયા હોવ, તો હવે તાંબા પર નજર નાખવા જેવી છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં તાંબાના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળાને કારણે શેરબજારમાં 'હિન્દુસ્તાન કોપર' (HCL) નો શેર રોકેટ બન્યો છે. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન આ શેર ૧૯.૮% ના ઉછાળા સાથે ₹૭૫૭.૪૦ ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો.
હિન્દુસ્તાન કોપરના શેરે રોકાણકારોને જે વળતર આપ્યું છે તે આશ્ચર્યજનક છે. જાન્યુઆરી ૨૦૨૬ ના માત્ર એક જ મહિનામાં આ શેરમાં ૪૪% નો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં શેરે ૧૧૪% નો ઉછાળો નોંધીને રોકાણકારોના નાણાં બમણાથી પણ વધુ કરી દીધા છે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારો માટે તો આ શેર 'જેકપોટ' સાબિત થયો છે, જેણે ૫ વર્ષમાં ૧૧૫૯% અને ૧૦ વર્ષમાં ૧૪૨૨% જેવું મસમોટું વળતર આપ્યું છે.
આ તેજી પાછળ અનેક વૈશ્વિક કારણો જવાબદાર છે. લંડન મેટલ એક્સચેન્જ (LME) માં તાંબાના ભાવ ૧૨% વધીને $૧૩,૯૬૫ પ્રતિ ટન પર પહોંચી ગયા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ચેતવણી અને ટેરિફના જોખમોને કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરીકે ધાતુઓ તરફ વળ્યા છે. આ ઉપરાંત, રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને AI ડેટા સેન્ટર્સમાં તાંબાની વધતી જતી માંગને કારણે પુરવઠામાં ખેંચ પડી રહી છે.
૧૯૬૭ માં સ્થપાયેલી હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભારત સરકારની એકમાત્ર એવી કંપની છે જે તાંબાના ઓરનું (Ore) ખાણકામ કરે છે. મધ્યપ્રદેશના મલંજખંડ, રાજસ્થાનના ખેત્રી અને ઝારખંડના ઘાટશિલામાં કંપનીની માલિકીની મોટી ખાણો છે. સરકાર આ મિનિરત્ન કંપનીમાં ૬૬.૧૪% હિસ્સો ધરાવે છે. ભવિષ્યના ઉદ્યોગોમાં તાંબાની અનિવાર્યતા જોતા નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે પણ આ ધાતુની માંગ મજબૂત રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
