<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે 'નો એન્ટ્રી'? ચાર મોટી નોકરીઓ પર પ્રતિબંધ : હવે ડિગ્રી વેરિફિકેશન વગર વિઝા નહીં મળે

વિઝન ૨૦૩૦ હેઠળ સાઉદી સરકારનો મોટો સપાટો: જનરલ મેનેજર અને માર્કેટિંગ જેવી હાઈ-પ્રોફાઈલ પોસ્ટ્સ હવે માત્ર સ્થાનિકો માટે અનામત : ભારતીયોએ ફરજિયાત કરાવવું પડશે પ્રી-વેરિફિકેશન : પગાર ધોરણોમાં પણ કરાયો ધરખમ ફેરફાર.

રિયાધ:  અમેરિકા દ્વારા વિઝા નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ હવે સાઉદી અરેબિયાએ પણ વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. 'વિઝન ૨૦૩૦' યોજના હેઠળ સાઉદી સરકારે ચાર મહત્વના વ્યવસાયો—જનરલ મેનેજર, સેલ્સ રિપ્રેઝન્ટેટિવ, માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ અને પ્રોક્યોરમેન્ટ મેનેજર—પર વિદેશીઓ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ પદો પર માત્ર સાઉદી નાગરિકોની જ ભરતી કરી શકાશે. સરકારે તેના 'કિવા' પોર્ટલ દ્વારા આ નિયમો કડક રીતે લાગુ કર્યા છે, જેનો સીધો અર્થ એ છે કે હવે ભારતીયો આ મુખ્ય હોદ્દાઓ પર સાઉદીમાં નોકરી મેળવી શકશે નહીં કે પ્રમોશન મેળવી શકશે નહીં.

નવા નિયમો મુજબ, માર્કેટિંગ ક્ષેત્રે ૬૦ ટકા હિસ્સો સાઉદી નાગરિકો માટે રાખવો ફરજિયાત બનશે. એટલું જ નહીં, સાઉદી સરકારે લઘુત્તમ વેતનના નિયમો પણ બદલ્યા છે; હવે સેલ્સ અને માર્કેટિંગમાં કામ કરતા સ્થાનિકોને ઓછામાં ઓછા ૫,૫૦૦ રિયાલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ૮,૦૦૦ રિયાલ પગાર આપવો પડશે. જો કંપનીઓ આ શરતો પૂરી નહીં કરે, તો તેમને 'સ્થાનિકીકરણ ક્વોટા'માં ગણવામાં આવશે નહીં. જે વિદેશીઓ અત્યારે મેનેજર પદ પર છે, તેમને 'CEO' અથવા 'ચેરમેન' જેવા હોદ્દાઓ અપનાવવાની સલાહ અપાઈ છે, પરંતુ તે માટેની શરતો પણ અત્યંત કડક બનાવી દેવામાં આવી છે.

ભારતીય કામદારો માટે સૌથી મોટો પડકાર 'પ્રી-વેરિફિકેશન'નો છે. જાન્યુઆરી ૨૦૨૫થી અમલી બનેલા નિયમો હેઠળ, સાઉદી જતા પહેલા ભારતીયોએ પોતાની શૈક્ષણિક અને વ્યાવસાયિક ડિગ્રીઓની અગાઉથી તપાસ કરાવવી ફરજિયાત છે. સાઉદી શ્રમ મંત્રી અહેમદ અલ-રાઝીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય દેશના યુવાનોને નેતૃત્વની ભૂમિકામાં લાવવા માટે લેવાયો છે. કંપનીઓને આ ફેરફારો અપનાવવા માટે ત્રણ મહિનાનો સમય અપાયો છે. આ સ્થિતિ જોતા સ્પષ્ટ જણાય છે કે ભવિષ્યમાં વહીવટી અને મેનેજમેન્ટની નોકરીઓ માટે વિદેશીઓ પરની નિર્ભરતા ઘટાડીને સાઉદી અરેબિયા 'સેલ્ફ-ડિપેન્ડન્ટ' બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે.

(8:02 PM IST)