હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં સરકારી બાબુઓની 'રીલ્સ' અને 'ટ્રોલિંગ' પર બ્રેક: નીતિશ સરકારનો નવો આદેશ : સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા લેવી પડશે મંજૂરી
હવે અધિકારીઓ ફેસબુક-ટ્વિટર પર મન ફાવે તેમ નહીં બોલી શકે: ઓફિસના વીડિયો કે લાઈવ સ્ટ્રીમિંગ કરવા પર સખત પ્રતિબંધ

પટના: બિહારમાં હવે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સોશિયલ મીડિયા પર પોતાની મરજી મુજબની પોસ્ટ મૂકી શકશે નહીં. મુખ્યમંત્રી નીતિશ કુમારની કેબિનેટે એક અત્યંત કડક નિર્ણય લેતા સરકારી કર્મચારીઓના સોશિયલ મીડિયા વપરાશ પર લગામ લગાવી દીધી છે. નવા નિયમો મુજબ, ફેસબુક, એક્સ (ટ્વિટર) કે ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ સરકારી નીતિની ટીકા કરવી કે વ્યક્તિગત મંતવ્યો વ્યક્ત કરવા હવે 'ગંભીર ગેરવર્તણૂક' ગણાશે. આટલું જ નહીં, કોઈપણ સરકારી કર્મચારીએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલતા પહેલા પણ હવે ઉપરી અધિકારીની લેખિત પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે.
સરકારે ખાસ કરીને એવા કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે જેઓ કાર્યસ્થળ પર વીડિયો બનાવીને કે લાઈવ સ્ટ્રીમિંગ કરીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરે છે. હવેથી ઓફિસની કોઈપણ ફાઈલ, દસ્તાવેજ કે ચર્ચાને સોશિયલ મીડિયા પર શેર કરવી એ કાયદેસરનો ગુનો ગણાશે. જો કોઈ કર્મચારી અનામી રીતે કે નકલી આઈડી બનાવીને સરકાર વિરુદ્ધ ઝેર ઓકશે, તો સાયબર સેલ દ્વારા તપાસ કરાવીને તેમની સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ કે કોર્ટના આદેશો પર ટિપ્પણી કરવી પણ હવે કર્મચારીઓને ભારે પડી શકે છે.
બિહાર સરકારી કર્મચારી આચારસંહિતા નિયમો, ૧૯૭૬માં સુધારો કરીને આ નવા ડિજિટલ નિયમો ઉમેરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ બી. રાજેન્દ્રના જણાવ્યા મુજબ, વહીવટી શિસ્ત જાળવવા અને સરકારી રહસ્યોને સુરક્ષિત રાખવા માટે આ પગલું અનિવાર્ય હતું. ભડકાઉ પોસ્ટ કે અન્ય લોકોને ટ્રોલ કરનારા કર્મચારીઓ સામે હવે સીધા સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ નિર્ણયથી બિહારના સરકારી વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે અત્યાર સુધી અનેક અધિકારીઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાની પર્સનલ બ્રાન્ડિંગ કરતા જોવા મળતા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
