<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અયોધ્યા ગેંગ રેપ કેસમાં મોટો ચુકાદો: રાજુ ખાનને ૨૦ વર્ષની કેદ, સપા નેતા મોઈદ ખાન નિર્દોષ; DNA ટેસ્ટે ખોલ્યું રહસ્ય

સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને ₹૫૦,૦૦૦નો દંડ; મોઈદ ખાન નિર્દોષ છતાં જેલમુક્તિ મુશ્કેલ, જાણો શું છે સમગ્ર મામલો

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સમગ્ર દેશને હચમચાવી દેનારા ભદરસા ગેંગ રેપ કેસમાં પોક્સો (POCSO) કોર્ટે આરોપી રાજુ ખાનને ૨૦ વર્ષની સખત જેલની સજા અને ₹૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અગાઉના દિવસે અદાલતે સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. પીડિતાના ગર્ભમાં રહેલા બાળકના ડીએનએ (DNA) પરીક્ષણ બાદ સત્ય બહાર આવ્યું હતું, જેમાં રાજુ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે મોઈદ ખાનનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને નિર્દોષ મુક્ત કરાયો છે.
   જુલાઈ ૨૦૨૪માં જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સગીરા પર બળાત્કાર બાદ તે ગર્ભવતી થઈ હોવાનું ખુલતા યોગી સરકારે કડક વલણ અપનાવ્યું હતું. મુખ્ય આરોપી મોઈદ ખાન સપા સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો હોવાના આક્ષેપો સાથે ભાજપ અને સપા વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. યોગી સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને મોઈદ ખાનની બેકરી અને ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
  કોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટે જણાવ્યું કે ખેતરમાં કામ કરતી સગીરાને પકડીને બેકરીમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જોકે, વૈજ્ઞાનિક પુરાવા તરીકે કરવામાં આવેલા ડીએનએ ટેસ્ટે કેસની દિશા બદલી નાખી હતી. રાજુ ખાનનો ડીએનએ મેચ થઈ જતા તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. બીજી તરફ, મોઈદ ખાન ભલે આ કેસમાં નિર્દોષ છૂટ્યો હોય, પરંતુ તેના પર ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ કેસો ચાલતા હોવાથી તેને જેલમાંથી બહાર આવવા માટે હજુ રાહ જોવી પડશે.

(8:25 PM IST)