<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ: ચુકાદો અનામત, રાજ્યોની કામગીરીને કોર્ટે 'હવામાં કિલ્લા' ગણાવ્યા

આસામમાં માત્ર એક જ ડોગ સેન્ટર અને લાખો લોકો શિકાર; હાઈવે પર વાડ લગાવવા અને પશુ આશ્રયસ્થાનો ખોલવા માટે કડક નિર્દેશ

નવી દિલ્હી:  ભારતમાં રખડતા કૂતરાઓની વધી રહેલી વસ્તી અને તેનાથી ઉભા થતા ખતરા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મેરેથોન સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજનિયાની બેન્ચે એમિકસ ક્યુરી અને વિવિધ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. કોર્ટે ખાસ કરીને પંજાબ, તમિલનાડુ, યુપી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં રખડતા પ્રાણીઓના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી.
સુનાવણી દરમિયાન અદાલતે રાજ્યોના વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી કે રખડતા કૂતરાઓની નસબંધી અને ડોગ પાઉન્ડ સ્થાપવા બાબતે રાજ્યો જે દાવા કરી રહ્યા છે તે માત્ર 'હવામાં કિલ્લા' સમાન છે. નિર્દેશોનું પાલન કરવાના નામે માત્ર કાગળ પર વાર્તાઓ કહેવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.
 કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આસામના ડેટાએ ભારે ચિંતા જગાડી છે. સમગ્ર આસામ રાજ્યમાં માત્ર એક જ ડોગ સેન્ટર કાર્યરત છે, જેની સામે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૧.૬૬ લાખ કેસ નોંધાયા હતા. આ વર્ષે એટલે કે જાન્યુઆરી ૨૦૨૫ના માત્ર એક જ મહિનામાં ૨૦,૯૦૦ લોકોને કૂતરાએ ફાડી ખાધા હોવાનું સામે આવ્યું છે, જેને કોર્ટે "ભયાનક" ગણાવ્યું હતું.
 નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવા અને રસ્તાની આસપાસ વાડ  લગાવવાની પ્રક્રિયા ઝડપી કરવા જણાવાયું છે. તે જ સમયે, ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) ને એવા નિર્દેશો આપ્યા છે કે એનજીઓ દ્વારા પશુ આશ્રયસ્થાનો અને બર્થ કંટ્રોલ કેન્દ્રો ખોલવા માટેની અરજીઓ પર બિનજરૂરી વિલંબ કર્યા વગર ત્વરિત નિર્ણય લેવામાં આવે. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના અંતિમ ચુકાદા પર છે, જે નક્કી કરશે કે દેશમાં રખડતા શ્વાનના ત્રાસમાંથી નાગરિકોને ક્યારે મુક્તિ મળશે

(8:29 PM IST)