<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

વિશ્વના તમામ પાંડાઓ પર માત્ર ચીનનો જ માલિકી હક: જાણો શું છે 'પાંડા ડિપ્લોમસી' અને તેના કડક આંતરરાષ્ટ્રીય નિયમો

જાપાને ૫૦ વર્ષ પછી બે પાંડા ચીન પરત કર્યા; વિદેશમાં જન્મેલા પાંડાના બચ્ચા પણ ગણાય છે ચીની નાગરિક, જાણો કેમ ડ્રેગન આ પ્રાણીને બનાવે છે રાજદૂત

નવી દિલ્હી : જાપાનના પ્રાણીસંગ્રહાલયમાંથી છેલ્લા બે વિશાળ પાંડાને ભારે હૈયે ચીન વિદાય આપવામાં આવી. આ કોઈ સામાન્ય વિદાય નહોતી, પરંતુ એક આંતરરાષ્ટ્રીય કરારનો ભાગ હતો. હકીકતમાં, દુનિયાના કોઈપણ દેશના પ્રાણી સંગ્રહાલયમાં તમે જે પાંડા જુઓ છો, તેનો અસલી માલિક ચીન જ છે. ચીન આ દુર્લભ પ્રાણીનો ઉપયોગ 'સોફ્ટ પાવર' તરીકે કરીને અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા માટે કરે છે, જેને વૈશ્વિક રાજકારણમાં 'પાંડા ડિપ્લોમસી' કહેવામાં આવે છે.
 વર્ષ ૧૯૮૪ પહેલા ચીન અન્ય દેશોને મિત્રતાના પ્રતીક તરીકે પાંડા ભેટમાં આપતું હતું. પરંતુ હવે પાંડાની ઘટતી સંખ્યાને જોતા ચીને નીતિ બદલી છે. હવે ચીન પાંડા ભેટમાં નથી આપતું, પરંતુ ૧૦ થી ૧૫ વર્ષ માટે 'લોન' પર આપે છે. આ માટે વિદેશી પ્રાણીસંગ્રહાલયોએ ચીનને વાર્ષિક ૫ લાખથી ૧૦ લાખ ડોલર (અંદાજે ૪ થી ૮ કરોડ રૂપિયા) જેટલું તગડું ભાડું ચૂકવવું પડે છે. આ રકમનો ઉપયોગ ચીન પાંડાઓના સંરક્ષણ માટે કરે છે.
 ચીનની આ રાજદ્વારી વ્યૂહરચનાનો સૌથી આશ્ચર્યજનક નિયમ એ છે કે, જો વિદેશમાં રહેતી પાંડાની જોડીને બચ્ચાનો જન્મ થાય, તો તે બચ્ચું પણ કાયદેસર રીતે ચીનની જ મિલકત ગણાય છે. કરાર મુજબ, આ બચ્ચું ૨ થી ૪ વર્ષની ઉંમરનું થાય એટલે તેને ચીન પરત મોકલી દેવું પડે છે જેથી તે ત્યાંના સંવર્ધન કાર્યક્રમમાં ભાગ લઈ શકે.
 ચીન દરેક દેશને પાંડા આપતું નથી. જે દેશો સાથે ચીનને મોટા વ્યાપારિક કરારો કરવા હોય અથવા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવી હોય, તેને જ આ 'જીવંત રાજદૂત' સોંપવામાં આવે છે. ૧૯૭૨માં અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સનની ચીન મુલાકાત બાદ પાંડા ડિપ્લોમસી સૌથી વધુ ચર્ચામાં આવી હતી. ટૂંકમાં, પાંડા એ માત્ર જોવાનું પ્રાણી નથી, પણ ચીન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રતા કેળવવાનું એક મજબૂત હથિયાર છે.

(8:31 PM IST)