<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

બાંગ્લાદેશમાં લોકશાહીના નામે લઘુમતીઓ પર 'કાળ': ચૂંટણી બહિષ્કારની તૈયારી, જાન્યુઆરીના ૨૭ દિવસમાં ૧૧ હિન્દુઓની કરપીણ હત્યા

હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદનો ગંભીર આક્ષેપ- "અમારી સુરક્ષાની કોઈ ગેરંટી નથી"; બંધારણીય લોકમત અને દ્વેષપૂર્ણ ભાષણો સામે લઘુમતીઓ મેદાને

ઢાકા :બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ત્યાં વસતા લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ પર જોખમ વધી ગયું છે. 'બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ' (BHDCU) એ ઢાકામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી છે કે જો લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો તેઓ ૧૨ ફેબ્રુઆરીએ મતદાનથી દૂર રહી શકે છે. સંગઠનનો દાવો છે કે ચૂંટણી પહેલા જ લઘુમતીઓને નિશાન બનાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

 આંકડાઓ અત્યંત ભયાનક છે. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસાના ૪૨ બનાવો નોંધાયા છે, જેમાં ૧૧ લોકોની હત્યા કરવામાં આવી છે અને એક બળાત્કારની ઘટના બની છે. આ ઉપરાંત ૯ મંદિરો અને ચર્ચો પર હુમલા થયા છે. તાજેતરમાં ૨૩ વર્ષીય હિન્દુ યુવાન ચંચલ ભૌમિકને જીવતો સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે સરકાર કે ચૂંટણી પંચ લઘુમતીઓમાં વિશ્વાસ જગાડવામાં નિષ્ફળ રહ્યા છે.
આ વખતે મતદારોએ બે મતપત્રો પર મતદાન કરવાનું છે. એક સંસદ સભ્ય ચૂંટવા માટે અને બીજું બંધારણીય સુધારા પરના 'લોકમત' માટે. લઘુમતી સંગઠનો આ લોકમતનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જે મુદ્દાઓ પર 'હા' કે 'ના' માંગવામાં આવી રહી છે તે બાંગ્લાદેશની ધર્મનિરપેક્ષતાને ખતમ કરનારા અને લઘુમતીઓના અધિકારોને છીનવી લેનારા છે. ચૂંટણી પ્રચારમાં થઈ રહેલા દ્વેષપૂર્ણ ભાષણો (Hate Speech) સાંપ્રદાયિક સૌહાર્દને દૂષિત કરી રહ્યા છે.
આઠ મુદ્દાની માંગણીઓ: લઘુમતીઓએ પોતાની સુરક્ષા માટે સરકાર સમક્ષ આઠ મુદ્દાનું માંગણીપત્ર રજૂ કર્યું છે. જેમાં મુખ્યત્વે:
• લઘુમતી સંરક્ષણ કાયદો બનાવવો.
• રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના કરવી.
• અલગ લઘુમતી મંત્રાલયની રચના કરવી.
• સાંપ્રદાયિક હિંસા કરનારાઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવી.
બાંગ્લાદેશના રાજકીય પક્ષો માટે લઘુમતી મતો હંમેશા નિર્ણાયક રહ્યા છે, પરંતુ આ વખતે જો હિન્દુ સમુદાય બહિષ્કાર કરશે તો ચૂંટણીના પરિણામો અને બાંગ્લાદેશની વૈશ્વિક છબી પર તેની ગંભીર અસર પડશે

(8:37 PM IST)