<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અજિત પવારના અવસાન બાદ બારામતીનો તાજ કોના શિરે? પવાર પરિવારમાં વારસાનો જંગ તેજ; આ બે નામો રેસમાં સૌથી આગળ

વિમાન દુર્ઘટનામાં દિગ્ગજ નેતાના મૃત્યુથી મહારાષ્ટ્ર સ્તબ્ધ; પત્ની સુનેત્રા પવાર કે પુત્ર પાર્થ પવાર- કોણ બનશે બારામતીનો નવો ચહેરો?

મુંબઈ : મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં નિધન બાદ રાજ્યના રાજકારણમાં મોટી શૂન્યાવકાશ સર્જાઈ છે. ખાસ કરીને પવાર પરિવારના અભેદ કિલ્લા સમાન 'બારામતી' વિધાનસભા બેઠક હવે ખાલી પડી છે, ત્યારે આ બેઠક પર અજિત દાદાનો વારસો કોણ સંભાળશે તેને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ગહન ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, પવાર પરિવારના કોઈ સભ્ય જ આ બેઠક પરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે. આ રેસમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સુનેત્રા પવાર બારામતીના સામાજિક કાર્યોમાં હંમેશા સક્રિય રહ્યા છે અને કાર્યકરોમાં તેમની પકડ મજબૂત છે. બીજી તરફ, તેમના પુત્ર પાર્થ પવારના નામ પર પણ વિચારણા થઈ શકે છે, જે યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.
અજિત પવારના અંતિમ સંસ્કાર સમયે ઉમટી પડેલી જનમેદની અને લોકોની આંખોમાં રહેલા આંસુ સૂચવે છે કે આ બેઠક પર પવાર પરિવારનો જે પણ ઉમેદવાર હશે તેની જીત નિશ્ચિત મનાય છે. જોકે, પરિવાર અને પાર્ટી માટે અત્યારે આઘાતનો સમય છે, પરંતુ આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે.
 નોંધનીય છે કે, અજિત પવારના પ્લેન ક્રેશ પાછળના કારણો જાણવા માટે તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે. પાઈલટના અંતિમ શબ્દો "Runway in sight" (રનવે દેખાઈ રહ્યો છે) હોવા છતાં વિમાન કેવી રીતે ક્રેશ થયું, તે હજુ પણ એક વણઉકેલ્યો કોયડો છે. આ તરફ બારામતીની જનતા હવે તેમના નવા 'દાદા' ની રાહ જોઈ રહી છે.

(8:38 PM IST)