<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

તમિલનાડુમાં ગઠબંધનનું ગણિત ગરમાયું: સુપરસ્ટાર વિજયના પિતાની ઓફર કોંગ્રેસે ફગાવી; કહ્યું- "અમારે કોઈના 'બૂસ્ટ'ની જરૂર નથી!"

વિજય કોંગ્રેસને બેઠી કરવા તૈયાર હોવાનો પિતા ચંદ્રશેખરનો દાવો; ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અને મંત્રીપદ મુદ્દે ખેંચતાણ તેજ

ચેન્નાઈ : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પૂર્વે રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) એ કોંગ્રેસને સાથ આપવાની તૈયારી દર્શાવી હતી. વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે તિરુવરુર ખાતે એક નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ તમિલનાડુમાં તેનું જૂનું ગૌરવ પાછું મેળવે તે માટે વિજય તેમને ટેકો આપવા તૈયાર છે. તેમણે એમ પણ ઉમેર્યું કે હવે નિર્ણય કોંગ્રેસે લેવાનો છે કે તેઓ આ તક ઝડપે છે કે નહીં.
"અમારી પાસે રાહુલ ગાંધીનું બૂસ્ટ છે": જોકે, તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કે. સેલ્વાપેરુથાગાઈએ આ ઓફરને અત્યંત રસપ્રદ અંદાજમાં ફગાવી દીધી છે. તેમણે વિજયના પિતા પર કટાક્ષ કરતા કહ્યું કે, "કોંગ્રેસના કાર્યકરોમાં પહેલેથી જ અખૂટ ઉર્જા છે. અમારા નેતા રાહુલ ગાંધી અમને બધું જ આપી રહ્યા છે - બૂસ્ટ, હોર્લિક્સ અને બોર્નવિટા! અમને બહારના કોઈ 'બૂસ્ટ' કે ટેકાની જરૂર નથી." કોંગ્રેસના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે તેઓ હાલમાં વિજયની પાર્ટી સાથે જોડાવા ઉત્સુક નથી.
બીજી તરફ, વર્ષો જૂના સાથી પક્ષ ડીએમકે (DMK) અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડતી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ૨૦૨૧ની ચૂંટણીમાં સાથે લડનારા આ બંને પક્ષો વચ્ચે હવે બેઠકોની વહેંચણી અને સત્તામાં ભાગીદારી મુદ્દે વિવાદ છે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં ૩૫ બેઠકો અને રાજ્ય સરકારમાં ૬ મંત્રી પદની માંગ કરી રહી છે, જ્યારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ૧૯થી વધુ બેઠકો આપવા તૈયાર નથી.
આ સંજોગોમાં તમિલનાડુનું રાજકારણ હવે 'ત્રિપાંખિયા જંગ' તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. એક તરફ શાસક ડીએમકે, બીજી તરફ વિપક્ષ એઆઈએડીએમકે અને ત્રીજી તરફ સુપરસ્ટાર વિજયની એન્ટ્રીથી સમીકરણો બદલાઈ રહ્યા છે.

(8:44 PM IST)