<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મોટો ઝટકો: ટેક્સાસની યુનિવર્સિટીઓ અને સરકારી એજન્સીઓમાં H-1B વિઝા પર પ્રતિબંધ

ગવર્નર ગ્રેગ એબોટનો સખત આદેશ- "અમેરિકન નોકરીઓ માત્ર અમેરિકનો માટે જ"; મે ૨૦૨૭ સુધી નવી અરજીઓ પર બ્રેક વાગતા હજારો ભારતીયો મુશ્કેલીમાં

વોશિંગ્ટન : અમેરિકાના શક્તિશાળી રાજ્ય ટેક્સાસે વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની તમામ સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓને તાત્કાલિક અસરથી નવી H-1B વિઝા અરજીઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ ૩૧ મે, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે, જેનો સીધો અર્થ એ છે કે આગામી દોઢ વર્ષ સુધી ટેક્સાસની સરકારી સંસ્થાઓમાં કોઈ પણ વિદેશી વ્યાવસાયિકને નોકરી મળી શકશે નહીં.
   ગવર્નર એબોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટેક્સાસના કરદાતાઓ પોતાના કર્મચારીઓને તાલીમ આપવા માટે અબજો ડોલર ખર્ચે છે, તેથી નોકરીઓ પર પ્રથમ હક સ્થાનિકોનો જ હોવો જોઈએ. તેમણે વિઝા કાર્યક્રમમાં થતા કથિત દુરુપયોગનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, તમામ વિભાગોને ૨૭ માર્ચ, ૨૦૨૬ સુધીમાં હાલમાં કાર્યરત વિદેશી કર્મચારીઓનો સંપૂર્ણ ડેટા, તેમના દેશનું નામ અને તેમના વ્યવસાયની વિગતો સોંપવા આદેશ અપાયો છે.
અમેરિકામાં H-1B વિઝા મેળવનારા કુલ પ્રોફેશનલ્સમાં ભારતીયોનો હિસ્સો ૭૦% થી પણ વધુ છે. ખાસ કરીને હાઈ-ટેક રિસર્ચ, સંરક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે ટેક્સાસની યુનિવર્સિટીઓમાં ભારતીય પ્રતિભાઓનો દબદબો રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન' (MAGA) અભિયાનના સમર્થકો લાંબા સમયથી એવો દાવો કરી રહ્યા છે કે વિદેશીઓ ઓછા પગારમાં કામ કરીને અમેરિકનોની નોકરીઓ છીણવી રહ્યા છે.
આ નિર્ણયથી માત્ર નવી નોકરી શોધનારાઓ જ નહીં, પણ જેમના વિઝા રિન્યુઅલ માટે બાકી છે તેમના પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. ટેક્સાસનું આ પગલું અન્ય રિપબ્લિકન રાજ્યો માટે પણ માર્ગદર્શક બની શકે છે, જે ભારતીય આઈટી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે.

(8:47 PM IST)