હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરમાં ‘વ્હાઈટ ગોલ્ડ’ની વર્ષા: હિમવર્ષા થતાં જ ગુલમર્ગ હાઉસફુલ, હોટેલના ભાડાં આસમાને પહોંચ્યાં: હિમસ્ખલનની ચેતવણી વચ્ચે પણ પ્રવાસીઓનો અવિરત પ્રવાહ: દાયકાઓ પહેલા ૯ ફૂટ બરફ પડતો હતો: હવે માંડ ૨ ફૂટ: 'ચિલ્લઈ કલાં'ની તાસીર બદલાઈ
ગુજરાતી સહેલાણીઓ ગેલમાં: કહ્યું- "ગુલમર્ગ સામે યુરોપ પણ પાણી ભરે, આ જ સાચું સ્વર્ગ છે": સોનમર્ગમાં જાન્યુઆરીના ૨૯ દિવસમાં ૯૦,૦૦૦થી વધુ સહેલાણીઓ ઉમટ્યા

જમ્મુ/શ્રીનગર : કાશ્મીર ખીણમાં થયેલી તાજી હિમવર્ષાએ પ્રવાસન ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંક્યો છે. પ્રવાસીઓના ધસારાને કારણે ગુલમર્ગની હોટલો ૧૦૦ ટકા અને સોનમર્ગની ૭૦ ટકા પેક થઈ ગઈ છે. ગુજરાતી સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ બરફનો આનંદ માણી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા હિમસ્ખલન વાળા વિસ્તારોથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
કાશ્મીરની વાદીઓ ફરી એકવાર સફેદ ચાદર ઓઢી લેતા ધરતી પરના સ્વર્ગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ૨૯મી જાન્યુઆરી બાદ તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાએ હોટલ વ્યવસાયિકોને બખ્ખાં કરાવી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને અહેવાલો મુજબ, કાશ્મીરના ટોચના વિન્ટર ડેસ્ટિનેશન્સ હાઉસફુલ થઈ ગયા છે.
ગુલમર્ગમાં પગ મૂકવાની જગ્યા નથી
ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ તારિક હુસૈને પુષ્ટિ કરી છે કે હિમવર્ષા બાદ અહીંની તમામ હોટલોમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સી (બુકિંગ) છે. તેમણે સાહસિક પ્રવાસીઓને વિન્ટર સ્પોર્ટ્સ માટે આવકાર્યા છે. જોકે, વધતી માંગને કારણે હોટલના ભાડાં અને ટેક્સીના દરોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.
પંજાબથી આવેલા એક ગ્રુપે જણાવ્યું હતું કે, "અમે અહીં ૬ દિવસથી સ્કીઈંગ કરી રહ્યા છીએ, અહીંના નજારાનો દુનિયામાં કોઈ જોટો જડે તેમ નથી."
ગુજરાતી પ્રવાસીઓનો દબદબો: કાશ્મીરમાં હાલ મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. ગુજરાતથી આવેલા અને નિયમિત સ્કીઈંગ કરતા ખુશ્બુબેને પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "મેં દેશ-દુનિયામાં ઘણી જગ્યાએ સ્કીઈંગ કર્યું છે, પરંતુ ગુલમર્ગની વાત જ કંઈક અનેરી છે. અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળો કરતા મને અહીં વધારે મજા આવે છે." જ્યારે પ્રથમ વખત કાશ્મીર આવેલા સાનિયાએ કહ્યું કે, "ગોંડોલા રાઈડ અને બરફવર્ષા અમારા માટે અણધારી ખુશી લઈને આવ્યા છે."
સોનમર્ગમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો છે. સત્તાવાર આંકડા મુજબ, માત્ર ૧લી જાન્યુઆરીથી ૨૭૯મી જાન્યુઆરી વચ્ચે કુલ ૯૦,૦૦૦થી વધુ પ્રવાસીઓએ સોનમર્ગની મુલાકાત લીધી હતી. જેમાં:
* ઘરેલુ પ્રવાસીઓ: ૭૭,૨૦૦
* વિદેશી પ્રવાસીઓ: ૧,૨૨૫
* સ્થાનિક લોકો: ૯,૨૬૮
ચેતવણી અને પડકારો: બરફવર્ષાના આનંદ વચ્ચે મુશ્કેલીઓ પણ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠી છે, જેના ઉકેલ માટે હોટલ એસોસિએશને તંત્રને રજૂઆત કરી છે.
બીજી તરફ, મંગળવારે રાત્રે થયેલા નાના હિમસ્ખલન બાદ પોલીસ અને પ્રશાસન સતર્ક છે. સીઈઓ તારિક હુસૈને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ માત્ર નિયત કરાયેલા 'સ્કી ટ્રેક' પર જ સ્કીઈંગ કરે અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવાનું ટાળે. લેટેસ્ટ અપડેટ મુજબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી ૨૪ કલાક માટે ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ કક્ષાના હિમસ્ખલનની ચેતવણી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
