<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

આ ભાઈ ભરચક બજારમાં ‘પાણીપુરીનું જેકેટ' પહેરીને નીકળ્‍યા

ગજબનો જુગાડ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાયા

જયપુર,તા.૩૦: ભારતમાં પાણીપુરી પ્રત્‍યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી, પરંતુ શું તમે ક્‍યારેય પાણીપુરી પહેરેલી જોઈ છે? સાંભળવામાં આ વાત થોડી અજીબ લાગશે, પરંતુ આ સત્‍ય હકીકત છે. રાજસ્‍થાનની રાજધાની જયપુરમાંથી એક એવો વીડિયો સામે આવ્‍યો છે, જેમાં એક વ્‍યક્‍તિ રસ્‍તા પર 'પાણીપુરી જેકેટ' પહેરીને ફરતો જોવા મળ્‍યો છે, જેને જોઈને લોકો આヘર્યમાં મુકાયા હતા.

ભારતમાં સ્‍ટ્રીટ ફૂડની વાત નીકળે અને પાણીપુરીનું નામ ન આવે તેવું તો બને જ નહીં. લોકો પાણીપુરી માટેના પોતાના પ્રેમને વ્‍યક્‍ત કરવા માટે અવનવા અખતરા કરતા હોય છે, પરંતુ રાજસ્‍થાનની રાજધાની જયપુરમાં એક શખ્‍સે તો હદ જ કરી દીધી હતી. આ શખ્‍સે પોતાના પાણીપુરી પ્રેમ પ્રત્‍યે એવી 'ફેશન' દેખાડી છે કે, જોનારાની ભૂખ અને હોશ બંને ઊડી ગયા છે. જયપુરની ગલીઓમાં એક યુવક અસલી પાણીપુરીથી બનેલું જેકેટ પહેરીને ફરતો જોવા મળ્‍યો હતો, જેના જોતા જ આસપાસના લોકો દંગ રહી ગયા હતા.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્‍યક્‍તિ જયપુરના ભરચક બજારમાં જોવા મળી રહ્યો છે. તેણે એક પારદર્શક પ્‍લાસ્‍ટિક જેવું જેકેટ પહેર્યું છે, જેમાં ડઝનબંધ પાણીપુરીઓ લટકાવેલી છે. આ કોઈ આર્ટિફિશિયલ રમકડું નથી, પણ અસલી ખાવા લાયક પાણીપુરીઓ હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં, જેકેટની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે, તે દૂરથી જોતા કોઈ મોંઘા ફેશન વીકની ડિઝાઈનર ડ્રેસ જેવું લાગે, પણ જ્‍યારે નજીક જઈને જુઓ ત્‍યારે ખબર પડે કે, આ તો આખું 'ચાલતું-ફરતું પાણીપુરી સેન્‍ટર' છે.

આ વાયરલ વીડિયોને ઇન્‍સ્‍ટાગ્રામ પર nitesh.experiment નામના પેજ પરથી શેર કરવામાં આવ્‍યો છે. વીડિયોમાં દેખાઈ રહેલો શખ્‍સ જયપુરના પ્રખ્‍યાત હવા મહેલની બહાર ઊભો છે, પરંતુ તેની જેકેટ પર સૌની નજર ટકેલી છે. આ કોઈ સામાન્‍ય જેકેટ નથી. જેકેટના એક ભાગમાં ગોલગપ્‍પા સજાવેલા છે, તો બીજા ભાગમાં ફુદીનાનું તીખું પાણી રાખેલું છે. મતલબ કે આખું પાણીપુરી સ્‍ટોલ જ શરીર પર પહેરી લેવામાં આવ્‍યું છે. ખાસ વાત એ છે કે, આ શખ્‍સ ચાલતા-ફરતા લોકોને પોતાની આ અનોખી જેકેટ બતાવી રહ્યો છે અને આસપાસ ઊભેલા લોકો પોતાના મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગ્‍યા હતા.

જયપુર તેની શિસ્‍ત અને પરંપરાગત પોશાક માટે જાણીતું છે, પરંતુ જ્‍યારે આ પાણીપુરી મેન રસ્‍તા પર નીકળ્‍યો, ત્‍યારે ટ્રાફિક જાણે થંભી ગયો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા. લોકો પોતાના વાહનો ઊભા રાખીને આ અતરંગી ફેશનને નિહાળવા લાગ્‍યા હતા. કેટલાક ઉત્‍સાહી લોકોએ તો તેની સાથે સેલ્‍ફી લેવાનું પણ શરૂ કરી દીધું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક પણ ખૂબ જ આત્‍મવિશ્વાસ સાથે આ જેકેટ પહેરીને પોઝ આપી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ઇન્‍ટરનેટ યુઝર્સે મજેદાર કોમેન્‍ટ્‍સથી આગ લગાવી દીધી છે. એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, મેટ ગાલા વાળા અત્‍યારે આ ભાઈને શોધી રહ્યા હશે, આ લેવલની ફેશન તો ત્‍યાં પણ જોવા નથી મળતી. ઘણા યુઝર્સે મજાકમાં એવું પણ પૂછ્‍યું કે, જેકેટમાં પુરી તો છે, પણ બટાકાનો મસાલો અને તીખું પાણી કયા ખિસ્‍સામાં રાખ્‍યું છે?

(10:28 AM IST)