<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટ્રેક્‍ટર અને બુલડોઝરથી બનાવ્‍યો ૬૫,૧૦૦ કિલો ચૂરમાનો મહાપ્રસાદ

આજે રાજસ્‍થાનના કોટપુતલીના ભૈરુજી મંદિરના ૧૭મા વાર્ષિકોત્‍સવમાં મહાપ્રસાદી તરીકે અપાશે

જયપૂર તા.૩૦: રાજસ્‍થાનની અરાવલીની પર્વતામાળામાં કુહાડા ગામ પાસે કોટપુતલીના શ્રીછાંપાલવાલા ભૈરવજીનું મંદિર છે. આજે આ મંદિરનો ૧૭મો વાર્ષિકોત્‍સવ ઊજવાઈ રહ્યો છે. આ નિમિત્તે વિશાળ મેળો, મહાભંડારો અને રાત્રિજાગરણ થવાનું છે. લોકોને આપવા માટેનો હજારો કિલો ચૂરમાનો પ્રસાદ ઓલરેડી બની ગયો છે. ૬૫૧ ક્‍વિન્‍ટલ એટલે કે ૬૫,૧૦૦ કિલો ચૂરમું બનાવવા માટે છેલ્‍લા એક મહિનાથી ગામવાસીઓ લાગી પડ્‍યા હતા. એકસાથે આ મહાપ્રસાદી બનાવવાનું માહાત્‍મ્‍ય હોવાથી ગામલોકોએ ઘઉંનો લોટ, એમાંથી મૂઠિયાં બનાવીને ભઠ્ઠીમાં શેકવાથી લઈને સાકર નાખીને મેળવવાનું કામ એટલા મોટા પાયે કર્યું હતું કે એ માટે ચમચાને બદલે બુલડોઝરના હાથા વાપરવામાં આવ્‍યા હતા અને કાચા માલની હેરફેર માટે ટ્રેક્‍ટરો ભરવામાં આવ્‍યાં હતાં.

ગયા વર્ષે ૫૫૧ ક્‍વિન્‍ટલ ચૂરમું તૈયાર કરવામાં આવ્‍યું હતું, પરંતુ આ વર્ષે આસ્‍થા મુજબ એમાં ૧૦૦ ક્‍વિન્‍ટલનો વધારો કરવામાં આવ્‍યો હતો. ગ્રામજનોએ જ આખું વ્‍યવસ્‍થાપન કર્યું હતું અને હજારો સ્‍વયંસેવકોને તહેનાત કર્યા હતા. ૨૧ સ્‍કૂલોના લગભગ ૫૦૦૦ વિદ્યાર્થીઓ અને સાથે જ ૩૦૦૦ પુરુષો અને ૫૦૦ મહિલાઓએ સ્‍વયંસેવક તરીકે કામ કર્યું હતું.

૧૫,૦૦૦ કિલો ઘઉંનો લોટ, ૧૦,૦૦૦ કિલો રવો, ૩૫૦૦ કિલો દેશી ઘી, ૧૩,૦૦૦ કિલો ખાંડ, માવો, ડ્રાયફ્રૂટ્‍સ, દૂધ, દહીં અને દાળ સહિત મોટી માત્રામાં મસાલા વપરાયા હતા. આમાંથી તૈયાર થયેલી મહાપ્રસાદીના વિતરણ માટે અઢી લાખ પતરાળાં અને ચાર લાખ કપ બનાવવામાં આવ્‍યાં છે. મહિલાઓએ લોટ બાંધીને શેકીને એના મોટા ગઠા તૈયાર કર્યા હતા અને એનો ચૂરો બનાવવા માટે અનાજ દળવાની ઘંટીઓ વાપરવામાં આવી હતી. એ પછી ટ્રેક્‍ટરમાં ભરીને સામાન એક મોટા ચોગાનમાં લઈ જવામાં આવ્‍યો. જગ્‍યાને વાળી-ઝૂડીને સાફ કરીને કેટલાક વોલન્‍ટિયર્સે પગ સાફ કરીને એમાં પ્‍લાસ્‍ટિકની બેગો પહેરી લીધી હતી. એ પછી હજારો કિલો લોટ અને રવો ટ્રેક્‍ટરથી એક જગ્‍યાએ એકઠો કરવામાં આવ્‍યો. એના પર દળેલી ખાંડ અને ૩૫૦૦ કિલો ચોખ્‍ખું ગરમ કરેલું દેશી ઘી રેડવામાં આવ્‍યું હતું અને એ બધું બુલડોઝરના હાથાથી મિક્‍સ કરવામાં આવ્‍યું હતું. એ પછી મિક્‍સ થયેલું ચૂરમું ટ્રેક્‍ટરમાં ભરીને મંદિરે લઈ જવામાં આવ્‍યું હતું.

આ મંદિરમાં પ્રાચીન ભૈરવબાબાની પ્રતિમા સાથે સવાઈ ભોજ, માતા અને હનુમાનજીની મૂર્તિ સ્‍થાપિત થયેલી છે. રાજસ્‍થાનમાં દૂરસુદૂરથી લોકો આ મેળામાં આવે છે. ગઈ કાલે આ વાર્ષિકોત્‍સવ પ્રસંગે ૨૫,૦૦૦ લોકો કળશ માથે લઈને ૩ કિલોમીટરની યાત્રાએ નીકળ્‍યા હતા.

(10:46 AM IST)