<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટ્રમ્‍પનો ‘માસ્‍ટરસ્‍ટ્રોક': અમેરિકામાં સસ્‍તી દવાઓ માટે 'TrumpRx' ની એન્‍ટ્રીઃ ફાર્મા માર્કેટમાં ફફડાટ

વ્‍હાઇટ હાઉસ દ્વારા ફેબ્રુઆરીમાં લોન્‍ચ થનારી નવી વેબસાઇટથી મોંઘી દવાઓના ખર્ચમાં ૫૦% સુધીનો ઘટાડો થવાની આશા

વોશિંગ્‍ટન, તા.૩૦: રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ફરી એકવાર પોતાના આક્રમક નિર્ણયોને કારણે ચર્ચામાં છે. અમેરિકનોને મોંઘી સ્‍વાસ્‍થ્‍ય સેવાઓમાંથી મુક્‍તિ અપાવવા માટે તેમણે 'TrumpRx' નામનું એક નવું ડિજિટલ પ્‍લેટફોર્મ તૈયાર કર્યું છે. આ વેબસાઇટ આવતા મહિનાથી એટલે કે ફેબ્રુઆરીથી કાર્યરત થશે. વહીવટીતંત્રનો દાવો છે કે તેમણે ફાઇઝર (Pfizer) જેવી મોટી ૧૦થી વધુ દિગ્‍ગજ ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ સાથે સીધા કરાર કર્યા છે. આ વ્‍યૂહરચના પાછળનો મુખ્‍ય હેતુ વચેટિયાઓને હટાવીને સીધા ગ્રાહકો સુધી સસ્‍તી દવાઓ પહોંચાડવાનો છે, જેનાથી સામાન્‍ય જનતાના ખિસ્‍સા પરનો બોજ ઘટશે.

જોકે, આ જાહેરાતથી અમેરિકાના મેડિકલ સ્‍ટોર માલિકો અને સ્‍થાનિક ફાર્મસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. વેપારીઓને ડર છે કે જો લોકો સીધા સરકારી પોર્ટલ પરથી ડિસ્‍કાઉન્‍ટેડ ભાવે દવાઓ ખરીદવાનું શરૂ કરશે, તો પરંપરાગત મેડિકલ સ્‍ટોર્સ ઠપ્‍પ થઈ જશે. બીજી તરફ, ડેમોક્રેટિક નેતાઓ ડિક ડર્બિન અને એલિઝાબેથ વોરેને આ યોજના પર સવાલો ઉઠાવતા હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટને પત્ર લખ્‍યો છે. તેમનો આરોપ છે કે આ પ્‍લેટફોર્મ દર્દીઓને એવા ડાયરેક્‍ટ-ટુ-કન્‍ઝ્‍યુમર પ્‍લેટફોર્મ પર મોકલી શકે છે જ્‍યાં પ્રિસ્‍ક્રિપ્‍શનની ચોકસાઈ ઓછી હોય અથવા સારવારમાં વિલંબ થવાની શકયતા રહેલી હોય.

આ રણનીતિ પાછળ ટેનેસી રાજ્‍યમાં કરવામાં આવેલ એક ચોંકાવનારો સર્વે જવાબદાર છે. આ સર્વે મુજબ, દવાઓના ભાવમાં અચાનક ૫૧ ટકાનો વધારો નોંધાયો હતો, જેના કારણે અનેક ગરીબ અમેરિકનો સારવારના અભાવે જીવ ગુમાવી રહ્યા છે. ટ્રમ્‍પ વહીવટીતંત્ર માને છે કે TrumpRx આ પ્રાઈસ વોર ને ખતમ કરશે. જોકે હજુ સુધી એ સ્‍પષ્ટ નથી થયું કે કઈ કઈ જીવનરક્ષક દવાઓ આ લિસ્‍ટમાં સામેલ હશે, પરંતુ આ પગલાએ ફાર્મા સેક્‍ટરમાં ભૂકંપ જરૂર લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે ફેબ્રુઆરીમાં આ લોન્‍ચિંગ બાદ અમેરિકાની આરોગ્‍ય વ્‍યવસ્‍થામાં કેવા બદલાવ આવે છે. 

(2:26 PM IST)