હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અજિત પવારના નિધન બાદ NCP ના બે ફાડિયાઃ બીજેપી ટેન્શનમાં!
જેની બીક હતી તે જ થયું! બારામતીના વિમાન અકસ્માતે મહારાષ્ટ્રનું સમીકરણ બદલ્યું; એક જૂથ શરદ પવારના શરણમાં જવા તૈયાર તો બીજું મહાયુતિ વફાદાર

મુંબઈ, તા.૩૦: મહારાષ્ટ્રના રાજકારણમાં જેનો ડર હતો તે જ વાવાઝોડું ફૂંકાયું છે. ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં થયેલા દુર્ઘટનાપૂર્ણ વિમાન અકસ્માતમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના નિધનથી માત્ર એક પરિવાર જ નહીં, પરંતુ આખી રાજકીય સિસ્ટમ હચમચી ગઈ છે. અજિત પવારના અવસાનના ગણતરીના કલાકોમાં જ તેમની NCP (અજિત જૂથ) માં ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. પક્ષ અત્યારે બે સ્પષ્ટ વિરોધાભાસી વિચારધારામાં વહેંચાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષનો એક મોટો હિસ્સો ભાવનાત્મક રીતે ફરી મોટા પવાર એટલે કે શરદ પવાર પાસે પાછા ફરવા માંગે છે, જ્યારે બીજો જૂથ સત્તાના સમીકરણો જાળવી રાખવા માટે ભાજપ-શિવસેના (મહાયુતિ) સાથે ગઠબંધન ચાલુ રાખવાના પક્ષમાં છે.
આ આંતરિક વિખવાદે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડાડી દીધી છે. ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે જો અજિત પવારનો જૂથ વિખેરાઈ જાય અથવા શરદ પવાર સાથે ભળી જાય, તો રાજ્યમાં એકનાથ શિંદેની શિવસેનાનું કદ અચાનક વધી જશે અથવા વિપક્ષ મજબૂત થઈ જશે. નવાઈની વાત તો એ છે કે, અજિત પવારના અવસાનના થોડા દિવસો પહેલા જ ૮ ફેબ્રુઆરીએ બંને NCP જૂથોના વિલીનીકરણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાના અહેવાલો હતા. પુણે અને પિંપરી-ચિંચવાડની સ્થાનિક ચૂંટણીઓમાં બંને પક્ષોએ જે રીતે સાથે મળીને ઝંપલાવ્યું હતું, તે જોતા રાજકીય પંડિતો માની રહ્યા હતા કે દાદા અને કાકા વચ્ચેની ખાઈ પુરાઈ ગઈ છે, પણ વિધિના વિધાન સામે બધું જ ધૂળધાણી થઈ ગયું છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અજિત પવારની ખાલી પડેલી ખુરશી અને તેમના નેતળત્વનો વારસો કોણ સંભાળશે? રાજકીય વર્તુળોમાં સુનેત્રા પવારનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જેથી પવાર પરિવારનો પ્રભાવ જળવાઈ રહે. જોકે, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા દિગ્ગજ નેતાઓ પણ રેસમાં છે, જેઓ પક્ષના સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. ભાજપ ઈચ્છે છે કે આ જૂથ અકબંધ રહે જેથી આગામી ચૂંટણીઓમાં મતોનું ધ્રુવીકરણ ન થાય. અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિ છે, કારણ કે આ વિભાજન માત્ર NCP નું ભવિષ્ય જ નહીં, પરંતુ મહારાષ્ટ્રની આગામી સરકારનું ભાવિ પણ નક્કી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
