ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ગોખણપટ્ટીનો જમાનો જશે! ભારતમાં પણ આવશે PISA જેવી ટેસ્ટ: આર્થિક સર્વેક્ષણમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારનું સૂચન
ધોરણ 10 પછી વિદ્યાર્થીઓની યાદશક્તિ નહીં પણ સમજણની કસોટી થશે: જ્ઞાનને વ્યવહારુ જીવનમાં કેવી રીતે વાપરવું તે શીખવશે આ નવી પદ્ધતિ

નવી દિલ્હી, તા.૩૦: ભારતના આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૬માં દેશના ભવિષ્ય એટલે કે વિદ્યાર્થીઓ માટે એક મોટું સૂચન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણી શિક્ષણ વ્યવસ્થા ગોખણપટ્ટી (Root Learning) પર વધુ ભાર આપતી હતી, પરંતુ હવે સરકાર તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ‘PISA’ (પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ) જેવી મૂલ્યાંકન પદ્ધતિમાં બદલવાનું વિચારી રહી છે. આ સર્વેક્ષણમાં ભલામણ કરવામાં આવી છે કે ધોરણ ૧૦ના અંતે વિદ્યાર્થીઓ માટે આવી યોગ્યતા-આધારિત કસોટી શરૂ કરવી જોઈએ.
શું છે આ PISA અને તેનાથી શું બદલાશે?
PISA એ એક એવી આંતરરાષ્ટ્રીય કસોટી છે જે માત્ર એ નથી જોતી કે તમને કેટલું યાદ છે, પણ એ તપાસે છે કે તમે વાંચન, ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનને વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવામાં કેવી રીતે વાપરો છો. ઉદાહરણ તરીકે, ગણિતના સૂત્રો મોઢે કરવાને બદલે, રોજિંદા જીવનના હિસાબો કે તાર્કિક પ્રશ્નોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની કસોટી લેવામાં આવે છે. ભારતે છેલ્લે ૨૦૦૯માં આમાં ભાગ લીધો હતો, પરંતુ આપણું પ્રદર્શન નબળું રહ્યું હતું. હવે સરકાર તેને દેશમાં જ અમલી બનાવી શિક્ષણનું સ્તર સુધારવા માંગે છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ કેમ ફાયદાકારક છે?
• ખરી સમજણ: બાળકો ક્યાં ભૂલ કરે છે અને કેમ મૂંઝવણમાં મુકાય છે તેનો ડેટા મળશે, જેથી શિક્ષણ પદ્ધતિ સુધારી શકાશે.
• સમાન ધોરણ: સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચેના શિક્ષણના તફાવતને માપી શકાશે અને નબળા વિસ્તારોમાં વધુ સંસાધનો ફાળવી શકાશે.
• ગ્લોબલ સ્ટાન્ડર્ડ: નવી શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ, આ ફેરફાર ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવા માટે સજ્જ કરશે.
જો આ સૂચનનો અમલ થશે, તો આવનારા સમયમાં શાળાકીય પરીક્ષાઓ માત્ર પ્રમાણપત્ર મેળવવા પૂરતી મર્યાદિત નહીં રહે, પણ તે વિદ્યાર્થીઓના સાચા કૌશલ્યને બહાર લાવશે. આનાથી શિક્ષણ જગતમાં ‘માર્ક્સ’ પાછળની દોડ ઓછી થશે અને ‘જ્ઞાન’ પાછળની સમજ વધશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
