હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રાન્ડેડ જૂતાના શોખીનો સાવધાન! દિલ્હીમાં પકડાઈ Nike અને Adidasની નકલી ફેક્ટરી: હજારો જોડી શૂઝ જપ્ત
સોનિયા વિહારમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ: પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય કરતો માલિક હવે જેલના સળિયા પાછળ

નવી દિલ્હી, તા.૩૦: જો તમે પણ માર્કેટમાં મળતા સસ્તા બ્રાન્ડેડ સ્પોર્ટ્સ શૂઝ જોઈને લલચાઈ જતા હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં એક એવી ફેક્ટરી ઝડપી પાડી છે, જ્યાં Nike, Adidas, New Balance અને Skechers જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના લોગો લગાવીને નકલી જૂતાનું મોટા પાયે ઉત્પાદન થતું હતું.
પોલીસે બાતમીના આધારે કંપનીના અધિકૃત પ્રતિનિધિઓ સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૪૪ વર્ષીય ફેક્ટરી માલિક સંદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી જે મળી આવ્યું તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ફેક્ટરીમાંથી નકલી બ્રાન્ડેડ લોગો ધરાવતી ૧,૬૦૦થી વધુ સ્ટીકર શીટ્સ અને ૯,૬૦૦થી વધુ જૂતાના ઉપરના ભાગો મળી આવ્યા હતા.
કેવી રીતે ચાલતું હતું આ આખું નેટવર્ક?
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંદીપ સિંહ વર્ષ ૨૦૦૦માં ઉત્તર પ્રદેશથી દિલ્હી આવ્યો હતો. તેણે શરૂઆતમાં ચાવરી બજારના એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરીને છાપકામની તમામ ટેકનિક શીખી લીધી હતી. પોતાની આ આવડતનો દુરુપયોગ કરીને તેણે નકલી લોગો છાપવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે આખું જૂતા ઉત્પાદનનું એકમ ઊભું કરી દીધું. પોલીસે સ્થળ પરથી:
• ૬ હેવી હીટિંગ પ્રેસ મશીનો અને ૯ પ્રિન્ટિંગ સ્ક્રીન જપ્ત કરી છે.
• ૧૩૧ પ્રકારના રંગો અને જૂતા બનાવવા માટે વપરાતા પીવીસી રોલ્સ કબજે કર્યા છે.
• બનાવટી, છેતરપિંડી અને કોપીરાઈટ ઉલ્લંઘન હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ નકલી જૂતા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સ્થાનિક બજારોમાં અસલી હોવાના નામે વેચવામાં આવતા હોવાની આશંકા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ નકલી માલ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
