<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

કેનેડા જવા ઇચ્છતા ભારતીયો માટે મિશ્ર સમાચાર: વિઝિટર વિઝા હવે જલ્દી મળશે, પણ સુપર વિઝા માટે જોવી પડશે લાંબી રાહ!

ઇમિગ્રેશન વિભાગના નવા આંકડા જાહેર: ભારતીય વિઝિટર વિઝાનો વેઈટિંગ પીરિયડ ૧૬ દિવસ ઘટ્યો, જ્યારે વર્ક પરમિટ અને સુપર વિઝામાં પ્રોસેસિંગ ધીમું થયું

નવી દિલ્હી, તા.૩૦: કેનેડા જવા માંગતા ભારતીયો માટે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) તરફથી રાહતના અને ચિંતાના એમ બંને સમાચાર આવ્યા છે. તાજેતરના ડેટા મુજબ, ભારતીય અરજદારો માટે વિઝિટર વિઝા મેળવવાનો સમય ઘણો ઘટી ગયો છે. અગાઉ જ્યાં ૯૯ દિવસની રાહ જોવી પડતી હતી, ત્યાં હવે માત્ર ૮૩ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. એટલે કે, વિઝિટર વિઝામાં સીધો ૧૬ દિવસનો ફાયદો થયો છે.

જોકે, બધું જ આસાન નથી. જે લોકો પોતાના માતા-પિતા કે દાદા-દાદીને સુપર વિઝા પર કેનેડા બોલાવવા માંગે છે, તેમની મુશ્કેલી વધી છે. ભારતમાં સુપર વિઝાનો પ્રોસેસિંગ સમય ૨૦૬ દિવસથી વધીને ૨૧૪ દિવસ થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકાથી કરવામાં આવતી સુપર વિઝાની અરજીઓમાં તો વેઈટિંગ પીરિયડ સીધો બમણો (૯૩ થી ૧૮૭ દિવસ) થઈ ગયો છે.

 

વર્ક અને સ્ટડી પરમિટની સ્થિતિ કેવી છે?

  • વર્ક પરમિટ: ભારતીયો માટે અહીં થોડો સુધારો છે. પ્રોસેસિંગ સમય ૯ અઠવાડિયાથી ઘટીને ૮ અઠવાડિયા થયો છે. જોકે, પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં આ સમય ૧૩ થી વધીને ૨૦ અઠવાડિયા થઈ ગયો છે.
  • સ્ટડી પરમિટ: વિદ્યાર્થીઓ માટે સ્થિતિ લગભગ સ્થિર છે. ભારતમાં પ્રોસેસિંગમાં માત્ર એક અઠવાડિયાનો નજીવો વધારો થયો છે (૩ થી ૪ અઠવાડિયા).
  • કેનેડાની અંદરથી અરજી: જે લોકો પહેલેથી કેનેડામાં છે અને વર્ક પરમિટ લંબાવવા માંગે છે, તેમને ૨૨૦ ને બદલે હવે ૨૪૧ દિવસ સુધી રાહ જોવી પડી શકે છે.

IRCC એ સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળો અંદાજિત છે અને તે અરજીની જટિલતા તેમજ અરજદારો દ્વારા આપવામાં આવતા પ્રતિસાદની ઝડપ પર આધાર રાખે છે. કેનેડા સરકાર અત્યારે તેની બેકલોગ ફાઈલોને ક્લિયર કરવા પર ધ્યાન આપી રહી છે, જેના કારણે પ્રોસેસિંગ સમયમાં સાપ્તાહિક ધોરણે ફેરફારો જોવા મળી રહ્યા છે.

(4:11 PM IST)