<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટેક્સાસમાં ભારતીય પ્રતિભાઓ માટે ‘નો એન્ટ્રી’: H-1B વિઝા પર પ્રતિબંધ મૂકતા ગવર્નર એબોટની ચોમેર ટીકા!

ભારત આવીને રોકાણની વિનંતી કરનાર ગવર્નરે હવે ફેરવી તોળ્યું: સરકારી એજન્સીઓ અને યુનિવર્સિટીઓમાં નવી ભરતી પર એક વર્ષની રોક

ઓસ્ટિન (ટેક્સાસ), તા.૩૦: અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટ અત્યારે વિવાદોના વમળમાં ફસાયા છે. રાજ્યની સરકારી એજન્સીઓ અને જાહેર યુનિવર્સિટીઓમાં નવી H-1B વિઝા ભરતી પર પ્રતિબંધ મૂકવાના તેમના નિર્ણયની કટુ ટીકા થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, જે ગવર્નર થોડા સમય પહેલા જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને ભારતીય રોકાણકારો તેમજ પ્રતિભાઓને ટેક્સાસ આવવા માટે આમંત્રણ આપ્યું હતું, તેમણે જ હવે દરવાજા બંધ કરી દીધા છે.

અમેરિકી પોડકાસ્ટર કાયલ સેરાફિન સહિત અનેક પ્રભાવકોએ એબોટના આ પગલાને 'દુપ્લસિટી' (બેવડું વલણ) ગણાવ્યું છે. સેરાફિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જ્યારે લાખો ભારતીયો ટેક્સાસમાં સ્થાયી થઈ ગયા છે, ઉદ્યોગો સ્થાપ્યા છે અને રાજ્યના અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યા છે, ત્યારે હવે આ પ્રતિબંધ મૂકવાનો શું અર્થ? તેમણે કટાક્ષમાં કહ્યું કે ગવર્નરે આ નિર્ણય લેવામાં "ખૂબ મોડું" કરી દીધું છે.

 

ભારત સાથેના ‘મજબૂત સબંધો’ના દાવા પોકળ?

· જૂનું વચન: ૨૦૨૪માં ભારતની મુલાકાત વખતે એબોટે કહ્યું હતું કે ટેક્સાસ અને ભારત સમાન મૂલ્યો ધરાવે છે. તેમણે ભારતીય કંપનીઓના ૧.૪ બિલિયન ડોલરના રોકાણ અને ૧૦,૦૦૦થી વધુ નોકરીઓના સર્જનની પ્રશંસા કરી હતી.

· નવો પ્રતિબંધ: હવે નવી H-1B અરજીઓ તો ઠીક, પણ જેઓ પહેલેથી ત્યાં છે તેમના વિઝા એક્સટેન્શન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આનાથી ખાસ કરીને મેડિકલ અને રિસર્ચ ક્ષેત્રે કામ કરતા ભારતીયોને માઠી અસર થશે.

· ખાનગી કંપનીઓ પર તવાઈ: જોકે ખાનગી કંપનીઓ ગવર્નરના સીધા આદેશ હેઠળ આવતી નથી, પરંતુ ટેક્સાસના એટર્ની જનરલે ત્રણ મોટી ખાનગી કંપનીઓ સામે H-1B કર્મચારીઓના ડેટા મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ટેક્સાસમાં હાલમાં અંદાજે ૫.૪૨ લાખથી વધુ ભારતીયો વસે છે. ગવર્નરના આ આકરા વલણથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ છે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણયથી ટેક્સાસની યુનિવર્સિટીઓને મળતી વૈશ્વિક પ્રતિભામાં ઘટાડો થઈ શકે છે અને લાંબે ગાળે રાજ્યના વિકાસને નુકસાન પહોંચી શકે છે.

 

(4:35 PM IST)