<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: શાળાની વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પેડ આપવો એ ‘મૂળભૂત અધિકાર’, રાજ્યોને કડક આદેશ

માસિક સ્રાવ સ્વાસ્થ્ય હવે કલમ 21 હેઠળ ‘જીવનના અધિકાર’નો ભાગ: જે ખાનગી શાળાઓ સુવિધા નહીં આપે તેમની માન્યતા રદ થશે

નવી દિલ્હી, તા.૩૦: દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘માસિક સ્રાવ સ્વાસ્થ્ય’ (Menstrual Health) એ માત્ર સુવિધા નથી, પરંતુ ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક દીકરીનો મૂળભૂત અધિકાર છે. અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થિનીઓને મફતમાં બાયો-ડિગ્રેડેબલ સેનિટરી પેડ્સ પૂરા પાડવામાં આવે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે આ મામલે સરકારોને પણ આડે હાથ લીધી હતી. અદાલતે ચેતવણી આપી છે કે જો શાળાઓ આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો ખાનગી શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે. વધુમાં, જો સરકાર પોતે આ સુવિધા પૂરી પાડવામાં અસમર્થ રહેશે તો તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

 

શાળાઓ માટે સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન્સ:

· મફત સેનિટરી પેડ્સ: ધોરણ ૬ થી ૧૨ ની તમામ કિશોરીઓને પર્યાવરણને અનુકૂળ (બાયો-ડિગ્રેડેબલ) સેનિટરી પેડ્સ વિનામૂલ્યે આપવાના રહેશે.

· અલગ શૌચાલય: તમામ શાળાઓમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ શૌચાલયની સુવિધા ફરજિયાત બનાવવામાં આવી છે.

· દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ સુવિધા: શાળાઓમાં શૌચાલય માત્ર અલગ જ નહીં, પરંતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ વાપરી શકે તેવા ‘ડિસેબલ્ડ-ફ્રેન્ડલી’ હોવા જોઈએ.

જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા કોર્ટે નોંધ્યું કે ઘણી છોકરીઓ માસિક સ્રાવ દરમિયાન યોગ્ય સુવિધાના અભાવે શાળા છોડી દેતી હોય છે. માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા જળવાય તે શિક્ષણના અધિકારને સુરક્ષિત કરવા માટે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દેશભરની લાખો વિદ્યાર્થિનીઓને શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ મળશે.

(4:52 PM IST)