<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મુંબઈમાં શરમજનક: અમેરિકન મહિલા પાસે ૪૦૦ મીટરના ૧૮,૦૦૦ રૂપિયા વસૂલ્યા, ટ્વિટર પર ‘પોલ’ ખુલતા ટેક્સી ડ્રાઈવર જેલભેગો!

એરપોર્ટથી હોટલ જવાના ૨૦૦ ડોલર ખંખેર્યા: ૨૦ મિનિટ સુધી અંધેરીમાં ગોળ-ગોળ ફેરવી છેતરપિંડી આચરી, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

મુંબઈ: સપનાની નગરી મુંબઈમાં એક વિદેશી પર્યટક સાથે છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકાથી આવેલી એક મહિલા પાસે ટેક્સી ડ્રાઈવરે માત્ર ૪૦૦ મીટરની મુસાફરી માટે ૧૮,૦૦૦ રૂપિયા (આશરે ૨૦૦ ડોલર) વસૂલ્યા હતા. આ મામલે મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો કડવો અનુભવ શેર કરતા મુંબઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, ૧૨ જાન્યુઆરીએ આ મહિલા મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. તેની હોટલ એરપોર્ટની અત્યંત નજીક હતી, પરંતુ ડ્રાઈવર દેશરાજ યાદવે તેને સીધી હોટલ લઈ જવાને બદલે અંધેરીના રસ્તાઓ પર ૨૦ મિનિટ સુધી ફેરવી હતી. ત્યારબાદ હોટલ પર છોડીને લૂંટ જેવું ભાડું વસૂલ્યું હતું. ૨૬ જાન્યુઆરીએ જ્યારે મહિલાએ આ પોસ્ટ મૂકી ત્યારે તેને ૧ લાખથી વધુ વ્યૂઝ મળ્યા અને લોકોએ મુંબઈ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.

 

પોલીસની ‘સુપરફાસ્ટ’ કાર્યવાહી

· FIR અને ધરપકડ: મુંબઈ પોલીસે આ મામલે જાતે જ (સુઓમોટો) સંજ્ઞાન લઈ ૨૭ જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હતી. તપાસના માત્ર ૩ કલાકમાં જ ૫૦ વર્ષીય ડ્રાઈવર દેશરાજ યાદવની ધરપકડ કરી તેની ટેક્સી જપ્ત કરી લેવાઈ હતી.

· ડ્રાઈવિંગ લાયસન્સ રદ: પોલીસે આરોપીનું લાયસન્સ રદ કરવા માટે RTOને જાણ કરી છે. આ ગુનામાં સામેલ અન્ય એક વ્યક્તિની પણ શોધખોળ ચાલુ છે.

· મહિલાની સુરક્ષા: તપાસમાં જાણવા મળ્યું કે મહિલા પુણે થઈને અમેરિકા પરત ફરી ગઈ છે, પરંતુ પોલીસે હોટલના રેકોર્ડ્સ અને ટેક્સી નંબરના આધારે કેસ મજબૂત બનાવ્યો છે.

DCP મનીષ કાલવાનિયાએ જણાવ્યું હતું કે, “વિદેશી પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં.” તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ ટેક્સી કે ઓટો ડ્રાઈવર વધુ ભાડું માંગે અથવા છેતરપિંડી કરે, તો તાત્કાલિક ૧૧૨ નંબર પર કોલ કરવો જેથી પોલીસ તુરંત એક્શન લઈ શકે.

 

(5:50 PM IST)