<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ઈરાન સામે યુરોપનું 'ધર્મયુદ્ધ': IRGC હવે આતંકવાદી સંગઠન, હમાસ અને અલ-કાયદાની યાદીમાં મુકાયું!

૬,૦૦૦ પ્રદર્શનકારીઓના લોહીથી ખરડાયેલા હાથ: EU એ ૨૭ દેશોની સહમતિ સાથે લીધો કઠોર નિર્ણય : ટ્રમ્પની ધમકી બાદ ઈરાન ચોતરફથી ઘેરાયું: ફ્રાન્સ અને ઈટાલીએ પણ બદલ્યા તેવર

તેહરાન:  મધ્ય પૂર્વના રાજકારણમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. યુરોપિયન યુનિયન  એ ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ'  ને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે. EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે બ્રસેલ્સમાં આ ક્રાંતિકારી જાહેરાત કરતા કહ્યું કે, જો તમે આતંકવાદી જેવું કૃત્ય કરો છો તો તમારી સાથે આતંકવાદી જેવો જ વ્યવહાર થશે. ઈરાની રસ્તાઓ પર ઉતરેલા નિર્દોષ પ્રદર્શનકારીઓ પર IRGC એ કરેલા ક્રૂર દમનમાં અંદાજે ૬,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના જવાબમાં યુરોપના ૨૭ દેશોએ એકઠા થઈને ઈરાનના અહંકારને કચડી નાખવા આ પગલું ભર્યું છે.

 

આ નિર્ણય માત્ર સાંકેતિક નથી, પરંતુ ઈરાનના અર્થતંત્ર અને સેના માટે મોટો ઝટકો છે. IRGC હવે વિશ્વની નજરમાં હમાસ અને અલ-કાયદા જેવી જ આતંકવાદી શ્રેણીમાં આવી ગયું છે. યુરોપિયન યુનિયને માત્ર સંગઠન પર જ નહીં, પરંતુ ઈરાનના ગૃહમંત્રી અને પ્રોસીક્યુટર જનરલ સહિત ૧૫ ઉચ્ચ અધિકારીઓ પર પણ આકરા પ્રતિબંધો લાદ્યા છે. વર્ષોથી આ પગલાનો વિરોધ કરી રહેલા ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન જેવા દેશોએ પણ ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે. અમેરિકાએ ૨૦૧૯માં જ IRGC ને આતંકવાદી જાહેર કર્યું હતું, પરંતુ હવે યુરોપના સાથ મળતા ઈરાન વૈશ્વિક સ્તરે સંપૂર્ણપણે અલગ પડી ગયું હોય તેમ લાગે છે.

બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે પરમાણુ હથિયારોનો ત્યાગ નહીં કરે અને નવો કરાર નહીં કરે, તો તેને જૂન ૨૦૨૫ ના હુમલા કરતા પણ વધુ વિનાશક પરિણામો ભોગવવા પડશે. IRGC નું નેટવર્ક ઈરાનના ખૂણેખૂણે ફેલાયેલું છે અને ૧૯૭૯ની ક્રાંતિ બાદથી તે સરકારનું રક્ષણ કરી રહ્યું છે. જોકે, આ પ્રતિબંધોનો અમલ કરવો જટિલ છે કારણ કે ઈરાનમાં લશ્કરી સેવા ફરજિયાત હોવાથી હજારો નિર્દોષ યુવાનો દબાણ હેઠળ આ સંગઠનમાં જોડાયેલા છે. હવે જોવાનું એ રહેશે કે તેહરાન આ આંતરરાષ્ટ્રીય અપમાનનો વળતો જવાબ કેવી રીતે આપે છે.

(6:22 PM IST)