<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટાટા vs નેસ્લે: $1.2 બિલિયનનો 'મેગા ડીલ' છેલ્લી ઘડીએ ફ્લોપ : હેલ્થ માર્કેટમાં ટાટાનો માસ્ટરસ્ટ્રોક કેમ અટકી ગયો?

પ્રોટીન અને પોષણના બજારમાં ટાટાનો 'પાવર પ્લે' અધૂરો: ડેનોન ઇન્ડિયા સાથેની વાટાઘાટોમાં ભંડોળ અને વ્યૂહરચનાના મુદ્દે સર્જાયો ગતિરોધ

નવી દિલ્હી:  ભારતીય કોર્પોરેટ જગતમાં ત્યારે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ફ્રેન્ચ જાયન્ટ ડેનોન  વચ્ચેનો ૧.૨ અબજ ડોલરનો સંભવિત સોદો અંતિમ તબક્કે રદ થયો. ટાટા ગ્રુપ આ એક્વિઝિશન દ્વારા નેસ્લે અને એબોટ જેવી દિગ્ગજ કંપનીઓના હેલ્થ અને ન્યુટ્રિશન માર્કેટમાં સીધો સિંઘ મારવાની તૈયારીમાં હતું. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કમાણીના અહેવાલ સાથે આ ડીલની જાહેરાત થવાની અપેક્ષા હતી, પરંતુ કિંમત નિર્ધારણ અને ભવિષ્યની વ્યૂહરચના બાબતે બંને પક્ષો વચ્ચે સહમતિ ન સધાતા આ 'મધર ઓફ ઓલ ડીલ્સ' હાલ પૂરતી ઠંડા બસ્તામાં ગઈ છે.

ડેનોન ઇન્ડિયા પાસે પ્રોટીનએક્સ,  ફેરેક્સ  અને ડેક્સોલેક જેવી અત્યંત લોકપ્રિય બ્રાન્ડ્સ છે, જે ટાટાના વેલનેસ પોર્ટફોલિયોને રાતોરાત મજબૂત બનાવી શકે તેમ હતી. નિષ્ણાતોના મતે, ભારતમાં પ્રોટીનની ઉણપ ધરાવતી વિશાળ શાકાહારી વસ્તીને ધ્યાનમાં રાખીને ટાટા આ સેગમેન્ટમાં આક્રમક બનવા માંગતું હતું. જોકે, ડેનોને તેના આખા પોર્ટફોલિયો માટે જે ઊંચી કિંમત માંગી, તે ટાટાના ગણિતમાં બેસતી નહોતી. ટાટા કન્ઝ્યુમરે અગાઉ 'ઓર્ગેનિક ઇન્ડિયા' અને 'કેપિટલ ફૂડ્સ' જેવી બ્રાન્ડ્સ ખરીદીને પોતાની વિસ્તારવાદી નીતિના સંકેત આપ્યા જ છે, પરંતુ આ વખતે નેસ્લે સાથેની સીધી સ્પર્ધા થોડા સમય માટે ટળી ગઈ છે.

કોવિડ-૧૯ પછી ભારતીયોમાં હેલ્થ ફૂડ પ્રત્યે જાગૃતિ વધી છે, જેના કારણે અમૂલથી લઈને આઈટીસી (ITC) સુધીની કંપનીઓ પ્રોટીન માર્કેટમાં કૂદી પડી છે. નેસ્લે ઇન્ડિયા પણ પ્લાન્ટ-આધારિત માંસ અને હેલ્થ સપ્લિમેન્ટ્સમાં સતત નવા પ્રયોગો કરી રહ્યું છે. જો ટાટા અને ડેનોન વચ્ચે આ સોદો પાર પડ્યો હોત, તો ભારતીય બજારમાં હેલ્થ ડ્રિંક્સ અને બેબી ફૂડ સેગમેન્ટના સમીકરણો સંપૂર્ણ બદલાઈ ગયા હોત. હાલમાં ટાટા 'ટાટા સિમ્પલી બેટર' જેવી બ્રાન્ડ્સ દ્વારા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ડેનોન જેવું મોટું નામ સાથે ન હોવાથી નેસ્લે સામેના આ જંગમાં ટાટાને હવે નવી વ્યૂહરચના વિચારવી પડશે.

(6:28 PM IST)