<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

યુપીને ‘પોલીસ સ્ટેટ’ બનવા દઈ શકાય નહીં: હાઈકોર્ટની યોગી સરકારના અધિકારીઓને આકરી ફટકાર

“પોલીસ ન્યાયાધીશો પર દબાણ લાવે છે”: ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી મુદ્દે હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, DGP અને ગૃહ સચિવને અપાઈ કડક સૂચના

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં પોલીસ અને ન્યાયતંત્ર વચ્ચે વધી રહેલા તણાવ મુદ્દે અલહાબાદ હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. શુક્રવારે એક સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “અમે ઉત્તર પ્રદેશને ‘પોલીસ સ્ટેટ’ (પોલીસ રાજ્ય) બનવાની મંજૂરી આપી શકીએ નહીં.”

કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યમાં પોલીસ અધિકારીઓ, ખાસ કરીને નાના પદના અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ (CJM) પર પોતાની મરજી મુજબના ઓર્ડર લેવા માટે દબાણ કરી રહ્યા છે. હાઈકોર્ટે આ વલણને લોકશાહી અને ન્યાયતંત્ર માટે જોખમી ગણાવ્યું હતું.

 

ન્યાયાધીશો સાથે ગેરવર્તણૂક અને દબાણ

સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસના અનેક ‘ચિંતાજનક’ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો:

· સીધું દબાણ: હાઈકોર્ટે કહ્યું કે જ્યારે ન્યાયાધીશો પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવે છે, ત્યારે IPS અધિકારીઓ સહિતના પોલીસ વડાઓ ન્યાયિક અધિકારીઓ સાથે વિવાદમાં ઉતરે છે.

· એન્કાઉન્ટર કલ્ચર પર સવાલ: આરોપીઓના પગમાં ગોળી મારવાની (હાફ એન્કાઉન્ટર) વધતી ઘટનાઓ રોકવા માટે કોર્ટે DGP રાજીવ કૃષ્ણા અને ગૃહ સચિવ સંજય પ્રસાદ પાસે જવાબ માંગ્યો હતો.

· કોર્ટરૂમમાં દખલ: બાર એસોસિએશનના અહેવાલો મુજબ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘણીવાર કાર્યવાહીને પ્રભાવિત કરવા માટે બિનજરૂરી રીતે કોર્ટરૂમમાં પ્રવેશ કરે છે.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે દરેક જિલ્લામાં કાયદાનું પાલન થતું નથી અને અનેક કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશોની પણ અવગણના કરવામાં આવે છે. એક ચોંકાવનારા ખુલાસામાં જસ્ટિસ દેશવાલે જણાવ્યું કે, પોલીસ સાથેના ઝઘડાને ટાળવા માટે એક જિલ્લામાં CJMની બદલી પણ કરવી પડી હતી. કોર્ટે અંતમાં ચેતવણી આપી હતી કે જો પોલીસ પોતાની જાતને ન્યાયાધીશો કરતાં ચડિયાતી માનવા લાગશે, તો અંતે સામાન્ય નાગરિકોએ જ સહન કરવું પડશે.

(6:49 PM IST)