<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પેટીએમ ના શેરમાં કડાકો છતાં કંપની નફામાં: ખોટમાંથી બહાર આવીને ૨૨૫ કરોડનો નફો કર્યો"

ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીને ૨૦૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેની સામે આ વર્ષે કંપનીએ ૨૨૫ કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો

ફિનટેક કંપની પેટીએમ માટે ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો રાહત લઈને આવ્યા છે, છતાં શેરબજારમાં કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે શરૂઆતી કારોબારમાં પેટીએમના શેર બીએસઈ પર ૪ ટકા જેટલા તૂટીને ૧,૧૧૭ રૂપિયા પર પહોંચી ગયા હતા. જોકે, કંપનીએ જાહેર કરેલા આંકડા મુજબ તેણે જબરદસ્ત વાપસી કરી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીને ૨૦૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેની સામે આ વર્ષે કંપનીએ ૨૨૫ કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નોંધાયેલા ૨૧ કરોડ રૂપિયાના નફાની સરખામણીએ આ વખતે નફામાં ૯૭૧ ટકાનો ઉછાળો આવ્યો છે.

 

કંપનીના જણાવ્યા અનુસાર, કામગીરીમાંથી થતી આવકમાં પણ વાર્ષિક ધોરણે ૨૦ ટકાનો વધારો થયો છે અને આવક વધીને ૨,૧૯૪ કરોડ રૂપિયા થઈ છે. આર્થિક રીતે કંપની મજબૂત થઈ રહી હોવા છતાં રોકાણકારોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે શેરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, બ્રોકરેજ ફર્મ્સે કંપનીની કામગીરીને સકારાત્મક ગણાવી છે અને કેટલાક બ્રોકરેજ હાઉસે શેરના ટાર્ગેટ ભાવમાં ૩૭ ટકા સુધીનો વધારો સૂચવ્યો છે. કંપનીએ પેમેન્ટ બિઝનેસ અને લોન વિતરણમાં પણ સુધારો દર્શાવ્યો છે, જે ભવિષ્યમાં કંપનીની સ્થિતિ વધુ મજબૂત થવાના સંકેત આપે છે.

(7:21 PM IST)