<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જમશેદપુરમાં પોલીસ એન્કાઉન્ટર: અપહરણ કેસના ત્રણ આરોપીઓને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી લીધા

પોલીસે બિઝનેસમેનના પુત્ર કૈરવ ગાંધીના અપહરણ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ - રમેશ રાજા, ગુડ્ડુ સિંહ અને મોહમ્મદ ઈમરાનને પકડ્યા

ઝારખંડના જમશેદપુરમાં પોલીસ અને અપહરણકારો વચ્ચે ગુરુવારે મોડી રાત્રે ભીષણ અથડામણ થઈ હતી. જમશેદપુરના બિષ્ટુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઈ મંદિર નજીક આવેલા નાળા પાસે આ એન્કાઉન્ટર થયું હતું. પોલીસે બિઝનેસમેનના પુત્ર કૈરવ ગાંધીના અપહરણ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ - રમેશ રાજા, ગુડ્ડુ સિંહ અને મોહમ્મદ ઈમરાનને પકડ્યા હતા. આ ત્રણેય આરોપીઓ બિહારના નાલંદા જિલ્લામાંથી પકડાયા હતા અને પોલીસ તેમને હથિયાર રિકવરી માટે ઘટનાસ્થળે લાવી હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ગુનામાં વાપરેલા હથિયારો આ વિસ્તારમાં છુપાવ્યા છે. જ્યારે પોલીસ ટીમ તેમને લઈને ત્યાં પહોંચી, ત્યારે અચાનક પરિસ્થિતિ વણસી ગઈ હતી. આરોપીઓએ પોલીસ પર હુમલો કરી દીધો હતો અને એક પોલીસ જવાનની કાર્બાઈન રાઈફલ આંચકી લીધી હતી. 

 

ત્યારબાદ આરોપીઓએ પોલીસ ટીમ પર આશરે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્વબચાવમાં અને જવાબી કાર્યવાહી કરતા પોલીસે પણ ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓના પગમાં ગોળી વાગી હતી.

 

ઘાયલ થયેલા ત્રણેય બદમાશોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પોલીસ જવાનોના જીવ જોખમમાં મૂક્યા હતા, જેના કારણે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. અપહરણના આ કેસમાં પોલીસને આ મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

(7:22 PM IST)