<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સ્વિગીના શેરમાં ૮ ટકાનો કડાકો: કંપનીની ખોટ વધીને ૧,૦૬૫ કરોડ થઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સ્વિગીનો શેર ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ૭.૭૮ ટકા તૂટીને ૩૦૨.૧૫ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીના શેરમાં શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા, જેમાં કંપનીની ચોખ્ખી ખોટ વધી હોવાનું સામે આવતા રોકાણકારો નિરાશ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસસી) પર સ્વિગીનો શેર ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ૭.૭૮ ટકા તૂટીને ૩૦૨.૧૫ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં ૨૨ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

 

રેગ્યુલેટરી ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને ૧,૦૬૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ૭૯૯ કરોડ રૂપિયા હતી. જોકે, કંપનીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે ૫૪ ટકા વધીને ૬,૧૪૮ કરોડ રૂપિયા થઈ છે. ખાસ કરીને ક્વિક કોમર્સ સેગમેન્ટ (ઝડપી ડિલિવરી) માં કંપનીએ ૭૬ ટકાનો જંગી વૃદ્ધિદર નોંધાવ્યો છે અને તેની આવક ૧,૦૧૬ કરોડ થઈ છે.

 

ફૂડ ડિલિવરી બિઝનેસમાં પણ ૨૪.૬૭ ટકાનો વધારો થયો છે. આમ છતાં, ખોટ વધવાને કારણે અને પ્લેટફોર્મ ઇનોવેશન જેવા વર્ટિકલમાં આવક ઘટવાને કારણે શેર પર દબાણ જોવા મળ્યું હતું. મે ૨૦૨૫ માં ૨૯૭ રૂપિયાના નીચલા સ્તરે રહેલો શેર સપ્ટેમ્બરમાં ૪૭૪ રૂપિયાની ટોચે પહોંચ્યો હતો, પરંતુ હાલના પરિણામો બાદ ફરીથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્લેષકોના મતે ક્વિક કોમર્સમાં તીવ્ર સ્પર્ધા અને વધતા ખર્ચને કારણે કંપનીના માર્જિન પર દબાણ છે.

(7:22 PM IST)