<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ઓડિશામાં ૧૨ વર્ષના બાળક સાથે ક્રૂરતા: રેતી ઉંચકવાની ના પાડતા કલાકો સુધી રેતીમાં ગળા સુધી દાટી દીધો

બાળક રડતો રહ્યો, વિનંતીઓ કરતો રહ્યો, છતાં આરોપીઓ તેનો વીડિયો ઉતારવા સાથે મજાક ઉડાવતા રહ્યા: વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં ૩ સગીરો સહિત ૬ ની અટકાયત

ઓડિશાના રાયગડા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં ૧૨ વર્ષના એક માસૂમ બાળકને નદીમાંથી રેતી ઉંચકવાની ના પાડવા બદલ અન્ય છોકરાઓએ કલાકો સુધી નદી કિનારે રેતીના ખાડામાં ગળા સુધી દાટી રાખ્યો હતો.

 

આઘાતજનક બાબત એ છે કે પીડિત બાળક રડતો રહ્યો અને વિનંતીઓ કરતો રહ્યો, છતાં આરોપીઓ મોબાઈલમાં તેનો વીડિયો ઉતારતા રહ્યા અને મજાક ઉડાવતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણ સગીરો સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે.

આ ઘટના ૨૫ જાન્યુઆરીના રોજ ગુનુપુર પોલીસ સ્ટેશન હદના મેરિંગી ગામ નજીક બની હતી. પીડિત બાળક, જે તેના નાના-નાની સાથે રહેતો હતો, તે નદી કિનારે એકલો હતો ત્યારે છ આરોપીઓએ તેને રેતી ભરવામાં મદદ કરવા કહ્યું હતું. બાળકે ના પાડતા ગુસ્સે ભરાયેલા આરોપીઓએ તેને પકડીને રેતીના ખાડામાં દાટી દીધો હતો અને ધમકી આપી હતી કે જ્યાં સુધી તે તેમની શરતો નહીં માને ત્યાં સુધી તેને બહાર કાઢવામાં નહીં આવે. બાળક ભયભીત થઈને કલાકો સુધી રેતીમાં દબાયેલો રહ્યો હતો.

જ્યારે બાળક મોડે સુધી ઘરે ન પહોંચ્યો ત્યારે તેના નાનાએ શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે ઘરે પહોંચેલા બાળકે આપવીતી વર્ણવતા પરિવાર ચોંકી ગયો હતો. શરૂઆતમાં ગામની સમિતિમાં સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા બાળકના પિતા રમેશ સબરે બુધવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૮૩ હેઠળ ગુનો નોંધીને તમામ છ આરોપીઓને ઝડપી લીધા છે. સગીર આરોપીઓને જુવેનાઈલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે પુખ્ત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

(7:24 PM IST)