<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

અમેરિકાની સાયબર સુરક્ષા એજન્સીના ભારતીય મૂળના વડા મધુ ગોટ્ટુમુક્કલા વિવાદમાં: ચેટજીપીટી પર સંવેદનશીલ દસ્તાવેજો અપલોડ કર્યા

મધુ ગોટ્ટુમુક્કલા પર આરોપ છે કે તેમણે સરકારી એજન્સીના અત્યંત સંવેદનશીલ અને 'ઓફિશિયલ યુઝ ઓન્લી' માર્ક કરેલા દસ્તાવેજો ઓપનએઆઈના ચેટબોટ 'ચેટજીપીટી' પર અપલોડ કરી દીધા

અમેરિકાની સાયબર સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી (સીઆઈએસએ)ના કાર્યકારી નિર્દેશક અને ભારતીય મૂળના અધિકારી મધુ ગોટ્ટુમુક્કલા એક ગંભીર વિવાદમાં સપડાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર હેઠળ કામ કરતા મધુ પર આરોપ છે કે તેમણે સરકારી એજન્સીના અત્યંત સંવેદનશીલ અને 'ઓફિશિયલ યુઝ ઓન્લી' માર્ક કરેલા દસ્તાવેજો ઓપનએઆઈના ચેટબોટ 'ચેટજીપીટી' પર અપલોડ કરી દીધા હતા. 

 

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ પ્લેટફોર્મ પર અપલોડ થયેલી માહિતી સાર્વજનિક બની શકે છે અને તેનો ઉપયોગ અન્ય યુઝર્સ માટેના જવાબો જનરેટ કરવામાં થઈ શકે છે.

 

મધુ ગોટ્ટુમુક્કલાનો જન્મ ૨૯ ઓક્ટોબર, ૧૯૭૬ના રોજ થયો હતો અને તેમણે ૧૯૯૩માં આંધ્રપ્રદેશના કાકીનાડામાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આંધ્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે ટેક્સાસ, ડાકોટા સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ડલાસમાંથી ડિગ્રીઓ મેળવી છે. સાઉથ ડાકોટામાં ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર તરીકે કામ કર્યા બાદ તેઓ સીઆઈએસએમાં જોડાયા હતા. 

 

જોકે, તેમનો કાર્યકાળ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યો છે. અહેવાલો મુજબ, તેમણે કર્મચારીઓના બિન-મંજૂર જૂઠાણા પકડવાના ટેસ્ટ (પોલીગ્રાફ) કરાવવાનો આગ્રહ રાખ્યો હતો, જેના કારણે છ કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.

 

તાજેતરના વિવાદ અંગે સ્પષ્ટતા કરતા એજન્સીએ જણાવ્યું હતું કે મધુને ચેટજીપીટી વાપરવા માટે કામચલાઉ અને મર્યાદિત મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે તેમણે આ મંજૂરીનો દુરુપયોગ કર્યો અને સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું. જ્યારે અન્ય ડીએચએસ કર્મચારીઓ માટે આ એપ બ્લોક હતી, ત્યારે મધુએ ખાસ પરવાનગી લઈને તેનો ઉપયોગ કર્યો હતો. 

 

ઓગસ્ટ મહિનામાં તેમની સિસ્ટમ્સમાં આ અપલોડ્સ પકડાયા હતા, જેના કારણે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણવામાં આવી રહી છે અને ભારતીય મૂળના આ અધિકારીની નેતૃત્વ ક્ષમતા પર હવે મોટા પ્રશ્નાર્થો ઉભા થયા છે.

(7:34 PM IST)