તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
ગુજરાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ ૫ ફેબ્રુઆરીથી શરૂ: ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શાળાઓને હોલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાઓ (પ્રેક્ટિકલ એક્ઝામ)નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬થી રાજ્યભરમાં આ પરીક્ષાઓ શરૂ થશે જે ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે રાજ્યભરમાંથી ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે.
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શાળાઓને હોલ ટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી હોલ ટિકિટ મેળવી શકશે જેમાં આચાર્યના સહી-સિક્કા હોવા ફરજિયાત છે.
આ વર્ષે પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે માટે બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષાઓ માટે દરેક સેન્ટર પર આંતરિક મૂલ્યાંકનકારોની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂક પામેલા 'બાહ્ય નિરીક્ષકો' (એક્સટર્નલ ઓબ્ઝર્વર) પણ હાજર રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ)ને દરેક કેન્દ્ર પર જરૂરી લેબોરેટરીના સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જો કોઈ સાધનની અછત હોય તો તેની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવા માટે શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને માર્ક્સમાં કોઈ પણ પ્રકારના ચેડાં ન થાય તે માટે આ વર્ષે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના માર્ક્સ જે તે દિવસે જ ઓનલાઈન બોર્ડને મોકલી દેવાના રહેશે. પરીક્ષા પૂર્ણ થયાના થોડા કલાકોમાં જ માર્ક્સ અપલોડ કરવાની સિસ્ટમ્સ ગોઠવવામાં આવી છે, જેથી પાછળથી માર્ક્સ સુધારવાની કે તેમાં ફેરફાર કરવાની કોઈ શક્યતા રહે નહીં.
શાળાઓને વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર અને મોબાઈલ નંબર દ્વારા લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવા જણાવાયું છે. ધોરણ ૧૦ અને ૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થવાની હોવાથી, તે પહેલાં સાયન્સના પ્રેક્ટિકલ્સ પૂર્ણ કરી લેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
