બજેટ ૨૦૨૬માં મોટો ધડાકો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ ઘટાડાના સંકેત, જાણો તમારા ખિસ્સાને કેટલી રાહત મળશે?
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા ભાવ ઘટાડાના સંકેત: એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી મોંઘવારી પર લગામ કસવાની તૈયારીમાં સરકાર

નવી દિલ્હી:આગામી ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા સામાન્ય માણસ માટે ખુશખબર આવી શકે તેમ છે. લાંબા સમયથી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકાર ઘટાડો કરવાની ગંભીર વિચારણા કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ખાસ વાતચીતમાં સંકેત આપ્યો છે કે સરકાર તેલના ભાવ અને ટેક્સ માળખા પર સતત નજર રાખી રહી છે અને ગ્રાહકો પરનો બોજ ઓછો કરવા સરકાર સંવેદનશીલ છે.
ઉદ્યોગ જગતની સંસ્થા CII (કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી) દ્વારા પણ સરકારને ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે મજબૂત ભલામણ કરવામાં આવી છે. જો સરકાર આ દિશામાં આગળ વધશે, તો પરિવહન ખર્ચ ઘટવાની સાથે મોંઘવારીમાં પણ મોટી રાહત જોવા મળી શકે છે.
નિષ્ણાતો માને છે કે અત્યારે સંજોગો ભાવ ઘટાડવા માટે એકદમ સાનુકૂળ છે:
૧. નિયંત્રણમાં ક્રૂડ ઓઇલ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમયથી સ્થિર છે, જે સરકારને ભાવ ઘટાડવા માટે પૂરતી જગ્યા આપે છે.
૨. મજબૂત ટેક્સ કલેક્શન: સરકારની GST અને ડાયરેક્ટ ટેક્સની આવક રેકોર્ડ સ્તરે છે, જેથી એક્સાઇઝ ડ્યુટીમાં થોડો ઘટાડો કરવાથી તિજોરી પર ખાસ બોજ નહીં પડે.
૩. મોંઘવારી પર કાબૂ: ઈંધણ સસ્તું થવાથી શાકભાજી, ફળો અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે.
વર્તમાનમાં પેટ્રોલમાં અંદાજે ₹૧૯.૯૦ અને ડીઝલમાં ₹૧૫.૮૦ પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. છેલ્લે મે ૨૦૨૨માં સરકારે પેટ્રોલમાં ₹૮ અને ડીઝલમાં ₹૬નો ઘટાડો કર્યો હતો. ચર્ચાઓ મુજબ, આ વખતે બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹૨ થી ₹૪ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
જો બજેટમાં આ જાહેરાત થશે, તો મધ્યમ વર્ગના ખિસ્સા પર માસિક ખર્ચમાં મોટો ઘટાડો થશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. હવે આખું ભારત ૧ ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યું છે કે નિર્મલા સીતારમણ ‘પેટ્રોલ-ડીઝલ’ ના દરવાજેથી રાહતનો પિટારો ખોલે છે કે નહીં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
