હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકી અર્થતંત્રમાં ‘ટ્રમ્પ કાર્ડ’: કેવિન વોર્શ બનશે ફેડરલ રિઝર્વના નવા ચેરમેન, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો!
માત્ર ૩૫ વર્ષની વયે ગવર્નર બનનાર કેવિન વોર્શ પર ટ્રમ્પે ઉતાર્યો પસંદગીનો કળશ: ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે હલચલ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની સૌથી શક્તિશાળી સેન્ટ્રલ બેંક, 'ફેડરલ રિઝર્વ'ના નવા ચેરમેન તરીકે કેવિન વોર્શના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવતાની સાથે જ વૈશ્વિક બજારોમાં તેની સીધી અસર જોવા મળી છે. ટ્રમ્પે કેવિન વોર્શને અત્યાર સુધીના 'સૌથી શ્રેષ્ઠ ફેડ ચેરમેન' સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કેવિન વોર્શના નામની જાહેરાત થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. નિષ્ણાતો માને છે કે વોર્શ ફુગાવા સામે કડક વલણ અપનાવનારા નીતિ નિર્માતા છે, જેના કારણે અમેરિકી ડોલર વધુ મજબૂત બન્યો છે.
અનોખી સિદ્ધિઓનો ઇતિહાસ: કેવિન વોર્શ અમેરિકાના નાણાકીય ઇતિહાસમાં એક અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ માનવામાં આવે છે. તેમની કારકિર્દીના કેટલાક મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
તેઓ માત્ર ૩૫ વર્ષની વયે ફેડરલ રિઝર્વના ગવર્નર બન્યા હતા, જે અમેરિકી ઇતિહાસમાં એક રેકોર્ડ છે. તેમણે ૨૦૦૬ થી ૨૦૧૧ સુધી આ પદ સંભાળ્યું હતું.
ફેડમાં જોડાતા પહેલા તેઓ ન્યુયોર્કમાં મોર્ગન સ્ટેનલી જેવી દિગ્ગજ કંપનીમાં મર્જર અને એક્વિઝિશન વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે.
શિક્ષણ અને સંશોધન: સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનાર વોર્શે બ્રિટનની આર્થિક નીતિઓમાં સુધારા માટે પણ મહત્વના સૂચનો આપ્યા હતા, જે બ્રિટિશ સંસદે સ્વીકાર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ કેવિન વોર્શને લાંબા સમયથી ઓળખે છે અને તેમના આર્થિક જ્ઞાન પર તેમને સંપૂર્ણ ભરોસો છે. બજારના વિશ્લેષકો માને છે કે વોર્શના નેતૃત્વ હેઠળ ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અને નાણાકીય નીતિઓ અંગે વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. આ નિમણૂકની અસર માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારત સહિત વિશ્વભરના શેરબજારો અને કોમોડિટી માર્કેટ પર જોવા મળશે. આગામી દિવસોમાં સોના-ચાંદીના રોકાણકારો માટે ફેડની નીતિ દિશા અત્યંત નિર્ણાયક સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
