<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

પાકિસ્તાનની જીત પર પીએમ શરીફનું ટ્વીટ પડ્યું ભારે: અજય જાડેજાએ ઉડાવી મજાક, કહ્યું- ‘આટલી નાની ખુશી!’

૭ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે T20માં જીત મેળવતા પાકિસ્તાની પીએમ ગદગદ થયા: આકાશ ચોપરાએ પણ ‘ગૌરવની ક્ષણ’વાળા નિવેદન પર લીધી ફિરકી

નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને ભલે ઐતિહાસિક જીત નોંધાવી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારે ટ્રોલ થઈ રહ્યા છે. ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાને ૨૨ રનથી જીત મેળવી હતી, જે સાત વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની પ્રથમ T20 જીત છે. આ જીતથી ઉત્સાહિત પીએમ શરીફે તેને ‘ગૌરવની ક્ષણ’ ગણાવતા ટ્વીટ કર્યું, જે હવે તેમના માટે ગળે ફસાઈ ગયું છે.
પીએમ શરીફની આ પોસ્ટ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ જોરદાર કટાક્ષ કર્યો હતો. જાડેજાએ લખ્યું, "પાકિસ્તાનીઓની નાની ખુશીઓ! મેં પહેલીવાર કોઈ વડાપ્રધાનને દ્વિપક્ષીય શ્રેણીમાં એક મેચ જીત્યા પછી આ રીતે ટ્વીટ કરતા જોયા છે. સાહેબ, ચાલુ રાખો." જાડેજાના આ કટાક્ષે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે.
 ‘આમાં ઇલેક્ટ્રિફાઇંગ શું છે?’: જાડેજા પછી જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ પાકિસ્તાની પીએમની ફિરકી લીધી હતી. ચોપરાએ સવાલ ઉઠાવ્યો કે ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં તેના મુખ્ય ખેલાડીઓ હાજર નથી, અને ૧૭૦ રનના ટાર્ગેટ સામે ૨૦-૨૨ રનની જીત મેળવવી એ કઈ રીતે ‘ગૌરવની ક્ષણ’ હોઈ શકે? તેમણે પીએમ શરીફના અતિશયોક્તિભર્યા વખાણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
 બાબર આઝમ ફરી ફ્લોપ: મેચની વાત કરીએ તો, પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૮ રન બનાવ્યા હતા.
બેટીંગ: સેમ અયુબે ૪૦ અને કેપ્ટન સલમાન આગાએ ૩૯ રન બનાવ્યા, પરંતુ સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ૨૦ બોલમાં માત્ર ૨૪ રન બનાવીને ફરી એકવાર ટ્રોલર્સના નિશાને આવ્યો હતો.
બોલિંગ: ૧૬૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૨૦ ઓવરમાં ૧૪૬ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ ૪ વિકેટ ઝડપી હતી, પરંતુ બેટ્સમેનોના ફ્લોપ શોને કારણે કાંગારૂ ટીમ હારી ગઈ હતી.
પાકિસ્તાની ફેન્સ આ જીતની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટપ્રેમીઓ અને નિષ્ણાતો પીએમ શરીફના ‘બાલિશ’ ઉત્સાહ પર સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ કરી રહ્યા છે

(8:07 PM IST)