હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુમાં રિયલ એસ્ટેટ કિંગ સીજે રોયનો ખૌફનાક અંત: IT રેડ દરમિયાન ઓફિસમાં જ પોતાની જાતને મારી દીધી ગોળી!
૬૫ થી વધુ લક્ઝરી પ્રોજેક્ટ્સના સર્જક અને કોન્ફિડન્ટ ગ્રુપના સ્થાપકનો આત્મઘાતી અંજામ : આવકવેરા વિભાગની પૂછપરછ ચાલતી હતી ત્યારે જ રૂમમાં જઈ ટ્રીગર દબાવ્યું : હોસ્પિટલમાં દમ તોડ્યો

બેંગલુરુ: બેંગલુરુ અને કેરળના રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા ગણાતા કોન્ફિડન્ટ ગ્રુપના માલિક સીજે રોયે ગુરુવારે સાંજે પોતાની જ ઓફિસમાં ગોળી મારીને આત્મહત્યા કરી લેતા સમગ્ર બિઝનેસ જગતમાં શોકની લહેર દોડી ગઈ છે. જ્યારે અનેપલ્યા વિસ્તારમાં આવેલી તેમની ઓફિસમાં આવકવેરા વિભાગ (IT) ની ટીમ સર્ચ ઓપરેશન અને પૂછપરછ કરી રહી હતી, તે જ સમયે આ હૃદયદ્રાવક ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, રોયે પૂછપરછ દરમિયાન થોડો સમય માંગીને પોતાના કેબિનમાં ગયા અને અચાનક ગોળીબારનો અવાજ આવતા અધિકારીઓ અને સ્ટાફ દોડી ગયા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
સીજે રોય માત્ર એક બિઝનેસમેન જ નહીં, પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડની એસબીએસ બિઝનેસ સ્કૂલમાંથી ડોક્ટરેટની પદવી મેળવનાર એક શિક્ષિત ઉદ્યોગસાહસિક હતા. ૨૦૦૫માં તેમણે કોન્ફિડન્ટ ગ્રુપનો પાયો નાખ્યો હતો અને જોતજોતામાં બેંગલુરુ, કેરળ અને દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં ૬૫ થી વધુ આલીશાન પ્રોજેક્ટ્સ પૂરા કર્યા હતા. ડિસેમ્બર ૨૦૨૫થી તેમની સંપત્તિઓ પર આવકવેરા વિભાગની નજર હતી. આજે જ્યારે તપાસનો ગાળિયો મજબૂત બની રહ્યો હતો, ત્યારે કદાચ માનસિક દબાણ હેઠળ તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ છાતીમાં ગોળી વાગવાને કારણે ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.
અશોક નગર પોલીસ હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ઓફિસ બિલ્ડિંગમાં સીસીટીવી ફૂટેજ અને ઘટના સમયે હાજર લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. રિયલ એસ્ટેટ, શિક્ષણ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય ઊભું કરનાર સીજે રોયના આવા આકસ્મિક અંતે અનેક સવાલો ઊભા કર્યા છે. શું કોઈ મોટું આર્થિક કૌભાંડ આ આત્મહત્યા પાછળ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા પોલીસ હવે તેમની અંગત ડાયરી અને ડિજિટલ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
